ગુજરાત પોલીસ દળમાં જોડાવાનું સ્વપ્ન જોતા હજારો યુવાનો માટે ભરતી બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે યોજાયેલી લેખિત પરીક્ષા બાદ હવે દસ્તાવેજ ચકાસણીનો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. બોર્ડ દ્વારા નિયમ મુજબ લેખિત પરીક્ષામાં 40 ટકા કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારોમાંથી કટ-ઓફ માર્ક્સના આધારે કુલ 18,322 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

LRD ભરતી અંગે મોટા સમાચાર

જાહેર કરાયેલા આંકડા મુજબ, ભરતીમાં સૌથી વધુ સક્સેસ રેશિયો જનરલ કેટેગરીમાં જોવા મળ્યો છે. જનરલ કેટેગરીના સૌથી વધુ 10,901 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે લાયક ઠર્યા છે. આ ઉપરાંત SEBC કેટેગરીમાંથી 3,270 ઉમેદવારો, ST કેટેગરીમાંથી 1,923 ઉમેદવારો, EWS કેટેગરીમાંથી 1,301 ઉમેદવારો અને SC કેટેગરીમાંથી 886 ઉમેદવારોને ક્વોલિફાઇડ જાહેર કરવામાં આવ્યા છે.

જુઓ યાદીનું લિસ્ટ

https://epapercdn.sandesh.com/images/2026/08/14/AUioActpIqF1XAWkCWfw33XCY32MV6SRQqSqYOaK.pdf

ઉમેદવારો માટે દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા 

ભરતી બોર્ડની સત્તાવાર માહિતી અનુસાર, માજી સૈનિક (Ex-Servicemen) કેટેગરીના ઉમેદવારો માટે દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા અલગથી હાથ ધરવામાં આવશે. જે ઉમેદવારોનું નામ આ યાદીમાં આવ્યું છે તેમણે બોર્ડ દ્વારા નિયત કરવામાં આવનાર તારીખો અને સ્થળ પર પોતાના તમામ મૂળ પ્રમાણપત્રો અને દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.

ભરતી બોર્ડની મહત્વની સૂચના

દસ્તાવેજ ચકાસણી એ ભરતીનો આખરી તબક્કો નથી. જો ચકાસણી દરમિયાન કોઈપણ ઉમેદવારના પ્રમાણપત્રો, વયમર્યાદા, કેટેગરી સર્ટિફિકેટ કે અન્ય દસ્તાવેજોમાં કોઈ વિસંગતતા કે ગેરલાયકાત જણાશે, તો તે ઉમેદવારની ઉમેદવારી તુરંત જ રદ કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણીની સફળ કામગીરી પૂર્ણ થયા બાદ આખરી પસંદગી યાદી જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: મિશન સાયબર રક્ષિકા હેઠળ મહિલાઓને ન્યૂડ વીડિયો મોકલી બ્લેકમેઇલ કરતી ગેંગના 1 મહિલા સહિત 8 આરોપી ઝડપાયા