ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. ત્યાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ખાલી પડેલા આ પદ પર ફરીવાર આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને કમાન સોંપવામાં આવી છે. કોંગ્રેસ હાઈ કમાન્ડે ગુજરાત કોંગ્રેસની જવાબદારી અમિત ચાવડાને સોંપી છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અને ભાજપના નેતા જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે, કોંગ્રેસને તબેલામાં રૂપાંતરિત કરવાનો યશ રાહુલ ગાંધીને જાય છે.
રાહુલ ગાંધીનું આમાં કશું જ ચાલતુ નથી
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમારે અમિત ચાવડાને કોંગ્રેસની કમાન સોંપવામાં આવી તે અંગે કહ્યું હતું કે, કોંગ્રેસને તબેલામાં રૂપાંતરિત કરવાનો યશ રાહુલ ગાંધીને જાય છે. ભાજપને આમાં કોઈ લેવા દેવા નથી. જે આવે એને શુભકામના પણ આમાં નવું શું કર્યું. રાહુલ ગાંધીનું આમાં કશું જ ચાલતુ નથી. નીચેથી નક્કી થયેલી ડિઝાઈન પ્રમાણે જ ચાલે છે. પબ્લિકને અસર કરે તેવું આમાં કશું જ નથી.
રાહુલ ગાંધીએ કહ્યં હતું કે, પક્ષમાંથી રેસ અને લગ્નના ઘોડાને અલગ કરવા પડશે
તાજેતરમા કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાયું હતું. આ પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પક્ષમાંથી રેસ અને લગ્નના ઘોડાને અલગ કરવા પડશે. તેમના આ નિવેદન બાદ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ હતી. હવે ગુજરાત કોંગ્રેસનો કાર્યભાર ફરી વાર અમિત ચાવડાને સોંપવામાં આવતા ભાજપના નેતા જયરાજસિંહે ચાબખા માર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષને તબેલામાં રૂપાંતરિત કરવાનો યશ રાહુલ ગાંધીને જાય છે.









