ખાખી વર્દી પહેરીને ગુજરાતની સેવા કરવાનું સપનું જોતા રાજ્યના લાખો યુવાનો માટે અત્યંત મહત્વના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતીની જગ્યાઓમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જે ભરતી 2,841 જગ્યાઓ પર જાહેર કરવામાં આવી હતી, તેમાં તોતિંગ વધારો કરીને હવે લોકરક્ષક કેડરની કુલ 12,752 જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ બિનહથિયારી PSIની 225 અને મહિલા જેલરની 16 જગ્યાઓ પર પણ ભરતી જાહેર કરવામાં આવી છે.

https://x.com/sanghaviharsh/status/2125082768048804170?s=08

લોકરક્ષક કેડર (LRD), PSI અને જેલરની જગ્યાઓની સંપૂર્ણ વિગત

ગુજરાત પોલીસમાં જાહેર કરાયેલી આ મોટી ભરતી અંતર્ગત વિવિધ કેડરમાં નીચે મુજબની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

  • લોકરક્ષક કેડરની કુલ જગ્યાઓ: 12,752
  • બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 8,233
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,132
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF): 3,107
  • જેલ સિપાહી (પુરુષ): 251
  • જેલ સિપાહી (મહિલા): 29
  • બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI): 225
  • જેલર (મહિલા): 16

યુવાનો માટે સુવર્ણ અવસર

પોલીસ વિભાગમાં આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ વધવાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાખી વર્દી એ માત્ર નોકરી નથી, પરંતુ સમાજની સુરક્ષાની એક મોટી જવાબદારી છે. તેથી ઉમેદવારોએ આજથી જ વહેલી સવારની દોડ, નિયમિત શારીરિક કસરત અને રોજના અભ્યાસમાં લાગી જવું જોઈએ, કારણ કે હવે દરેક દિવસ મહત્વનો છે.

કોઈ પણ વચેટિયા કે લાલચ આપનારથી સાવધાન રહેજો

ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે યોજાવાની હોવાથી ઉમેદવારોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેમની મહેનત અને લાયકાત જ તેમનું ભવિષ્ય નક્કી કરશે. આથી, નોકરી અપાવવાની લાલચ આપનાર કોઈ પણ વચેટિયા કે લેભાગુ તત્વોથી સાવધાન રહેવું અને માત્ર પોતાની મહેનત પર જ ભરોસો રાખવો.

આ પણ વાંચો: Gandhinagar: રાજ્યમાં 30 નવેમ્બરથી મગની ટેકાના ભાવે ખરીદી, પ્રતિ મણ ₹1,756ના ભાવે ખેડૂત દીઠ મહત્તમ 125 મણ મગની ખરીદી કરાશે