ગુજરાત સરકારે રાજ્ય પોલીસ દળની સીધી ભરતી પ્રક્રિયામાં દેશસેવા કરીને પરત ફરતા અગ્નિવીરો માટે અભૂતપૂર્વ અને ક્રાંતિકારી નિર્ણયોની જાહેરાત કરી છે. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર ગેઝેટ પ્રસિદ્ધ કરીને ભરતી નિયમોમાં મોટા સુધારા લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, હવે માજી અગ્નિવીરોને કોઈપણ પ્રકારની પરીક્ષા આપ્યા વિના જ ગુજરાત પોલીસમાં સીધી નોકરી મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અગાઉ જુલાઈ મહિનામાં સરકારે શારીરિક કસોટી (Physical Test) માંથી મુક્તિ આપી હતી, અને હવે લેખિત પરીક્ષા માંથી પણ સંપૂર્ણ મુક્તિ જાહેર કરી દેવામાં આવી છે.

પરીક્ષાઓમાંથી સંપૂર્ણ મુક્તિ અને 20 ટકા અનામતની જોગવાઈ

ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ માજી અગ્નિવીરો માટે નીચે મુજબના મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.અગ્નિવીરોએ સૈન્યમાં કઠોર તાલીમ પૂર્ણ કરેલી હોવાથી તેમને શારીરિક ક્ષમતા કસોટી કે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડશે નહીં. ગુજરાત પોલીસ ભરતીમાં માજી અગ્નિવીરો માટે 20 ટકા જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી મોટી સંખ્યામાં યુવાનો ખાખી દળમાં સમાવિષ્ટ થઈ શકશે.અગ્નિવીરોની પ્રથમ બેચ માટે ઉપલી વયમર્યાદામાં ૫ વર્ષની વિશેષ છૂટછાટ આપવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે સામાન્ય નિયમ મુજબ અન્ય બેચ માટે નિર્ધારિત વય રાહત મળવાપાત્ર રહેશે.

કયા પદો પર માજી અગ્નિવીરોની થશે સીધી ભરતી?

રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે માજી અગ્નિવીરોની સેવાઓ પોલીસ વિભાગના મહત્વપૂર્ણ અને શિસ્તબદ્ધ કેડર્સમાં લેવામાં આવશે. નીચે મુજબના પદો પર તેઓની સીધી ભરતી કરવામાં આવશે. હથિયારી PSI,હથિયારી કોન્સ્ટેબલ,SRPF કોન્સ્ટેબલ, જેલ સિપાહી,જેલર.

અગ્નિવીરોના પુનર્વસન અને રાજ્યની સુરક્ષા બંને માટે મોટો ફાયદો

આ ઐતિહાસિક સુધારાથી ચાર વર્ષની લશ્કરી સેવા બાદ પરત ફરતા ગુજરાતના યુવાનોને તાત્કાલિક રોજગારીની સુરક્ષા મળશે. બીજી તરફ, સેનાની અત્યાધુનિક તાલીમ અને કડક શિસ્ત ધરાવતા જવાનો સીધા જ પોલીસ અને જેલ પ્રશાસનમાં જોડાવાથી રાજ્યની આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે. ગૃહ વિભાગના આ ગેઝેટથી રાજ્યભરના યુવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ છે.

આ પણ વાંચો: Ambaji: નવરાત્રિમાં અંબાજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર; 11 થી 19 ઓક્ટોબર નવું સમયપત્રક અમલી