વાઇબ્રન્ટ ગુજરાતમાં ઝડપી ઔદ્યોગિકીકરણ, ખેતીવાડીની સિંચાઈની જરૂરિયાત અને શહેરોમાં વધતા વ્યાપ વચ્ચે રાજ્યમાં વીજળીની માગ તમામ પાછલા રેકોર્ડ તોડીને અભૂતપૂર્વ સપાટીએ પહોંચી ગઈ છે. રાજ્યમાં 9 થી 15 ઑક્ટોબરના માત્ર સાત જ દિવસના ટૂંકા ગાળામાં અધધધ 3,861 મિલિયન યુનિટ (૩૮૬.૧૧ કરોડ યુનિટ)વીજળીનો સપ્લાય કરવામાં આવ્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં વીજ વપરાશમાં સીધો 26.60 ટકાનો જંગી વધારો નોંધાતાં ઊર્જા વિભાગ સતર્ક બન્યું છે. વીજળીની વધતી માગને પહોંચી વળવા અને રાજ્યમાં 24 કલાક અવિરત પુરવઠો જાળવી રાખવા માટે કેબિનેટ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાની અધ્યક્ષતામાં વીજ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજવામાં આવી હતી.
15 ઑક્ટોબરે 29,822 મેગાવોટની સર્વોચ્ચ પીક ડિમાન્ડ
વીજ વિતરણ કંપનીઓના ચોંકાવનારા આંકડા મુજબ રાજ્યમાં વીજ વપરાશમાં મોટો બૂમ જોવા મળ્યો છે. 15ઑક્ટોબરના રોજ રાજ્યમાં દૈનિક વપરાશ 574.21 મિલિયન યુનિટ ના સ્તરે પહોંચી ગયો હતો.આ દિવસે રાજ્યમાં વીજળીની પીક ડિમાન્ડ 29,822 મેગાવોટ ની સર્વોચ્ચ સપાટીએ નોંધાઈ હતી.સમગ્ર સાત દિવસ દરમિયાન દરરોજ સરેરાશ લગભગ 55.16 કરોડ યુનિટ વીજળીનો વપરાશ નોંધાયો છે, જે ગુજરાતના ઈતિહાસમાં ઓક્ટોબર માસ દરમિયાન સૌથી ઊંચા આંકડાઓ પૈકીનો એક છે.
ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મેગા રિવ્યુ બેઠક
રાજ્યમાં ક્યાંય વીજ કાપ ન સર્જાય તે માટે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી,બેઠકમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.GUVNL (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ), PGVCL, UGVCL, MGVCL અને DGVCL ના મેનેજિંગ ડિરેક્ટર્સ તેમજ ટેકનિકલ હેડ્સ બેઠકમાં હાજર રહ્યા હતા.આગામી દિવસોમાં કૃષિ અને ઔદ્યોગિક ગતિવિધિઓ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગ્રીડની સ્થિરતા અને થર્મલ તેમજ રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી મહત્તમ ઉત્પાદન મેળવવા માટેનું માઇક્રો-પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું હતું.
ખેતી અને ઉદ્યોગોને અવિરત વીજળી આપવા સરકારે બાંયધરી આપી
બેઠકમાં વીજ વ્યવસ્થાપનને લઈને મંત્રીઓએ સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા.ખેડૂતોને રવિ સીઝન પૂર્વે પૂરતા દબાણ સાથે વીજળી મળી રહે અને ઔદ્યોગિક ઉત્પાદનને કોઈ ફટકો ન પડે તે માટે પાવર પરચેઝ અને ટ્રાન્સમિશન નેટવર્કને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.વીજ ફોલ્ટ કે ટેકનિકલ ખામી સર્જાય તો ગણતરીની મિનિટોમાં સમારકામ કરી પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે ફિલ્ડ સ્ટાફને સ્ટેન્ડબાય રાખવાના આદેશો અપાયા છે.
આ પણ વાંચો:Surat: ઓલપાડમાં નવરાત્રી દરમિયાન કિરણ મેડિકલ કોલેજના ગરબામાં વિધર્મીઓની હાજરી મુદ્દે VHP-બજરંગ દળનો હોબાળો