અમદાવાદ સહિત રાજ્યભરમાં ચોમાસાની સિઝનમાં અત્યારે નહિવત વરસાદ વચ્ચે ડેન્ગ્યુ-મેલેરિયા સહિત ભારે તાવ, વાયરલ ફીવરને લગતાં કેસોનો સકંડો કસાયો છે. ઘેર ઘેર માંદગીના અહેવાલ હોય તેવી સ્થિતિ છે.આ તરફ ગુજરાતમાં વર્ષ 2026ના 8 મહિનામાં ભારે તાવની મેડિકલ ઇમરજન્સીના 45272 કેસ નોંધાયા છે.ગત વર્ષે 2025માં આ જ સમયગાળામાં 41494 ઇમરજન્સી કેસ હતા.આમ ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં ભારે તાવની મેડિકલ ઇમરજન્સીમાં 9.18 ટકાનો વધારો થયો છે,આ માત્ર 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે પહોંચેલા દર્દીના આંકડા છે.આ સિવાય અન્ય સરકારી ખાનગી હોસ્પિટલો, ક્લિનિકોમાં ભારે તાવ, વાયરલ ફીવરના કેસની સંખ્યા અત્યારે મોટા પાયે જોવા મળી રહી છે.
ઓગસ્ટમાં સિવિલમાં જ ડેન્ગ્યુના 90થી વધુ દર્દી નોંધાયા
અમદાવાદ શહેરમાં 8 મહિનામાં ભારે તાવના કારણે 108 એમ્બ્યુલન્સ મારફતે 100078 લોકોને વિવિધ હોસ્પિટલે ખસેડીને સારવાર આપવામાં આવી છે.આ તરફ અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ભારે તાવ સહિત વાયરલ ફીવરને લગતાં 230થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.ઓગસ્ટમાં સિવિલમાં જ ડેન્ગ્યુના 90થી વધુ દર્દી નોંધાયા છે. ચિકનગુનિયાના 144 કેસ છે. દિવસની ઓપીડીમાં 22 હજાર જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે જ્યારે 229થી વધુ દર્દીને દાખલ કરીને સારવાર અપાઈ ચૂકી છે.
પાણીજન્ય સંક્રમણના કેસ જોવા મળી રહ્યા છે
સ્વાઈન ફલૂના શંકાસ્પદ કેસનું પ્રમાણમાં વધી ગયું છે. સિવિલમાં સ્વાઈન ફલૂના ત્રણ જેટલા પોઝિટિવ કેસ આવ્યા હતા.સોલા સિવિલમાં સપ્તાહમાં 8 પોઝિટિવ કેસ થયા છે. જ્યારે શંકાસ્પદ કેસોનો આંકડો 30ને પાર જોવા મળ્યો છે.સોલા સિવિલમાં ડેન્ગ્યુના જ એક સપ્તાહમાં 11થી વધુ કેસ સામે આવ્યા છે.એકંદરે અત્યારે મચ્છરજન્ય તો ક્યાંક પાણીજન્ય સંક્રમણના કેસ જોવા મળી રહ્યા છે.108 ઇમરજન્સી ડેટા પ્રમાણે વર્ષ 2026માં સુરતમાં 6752 ભારે તાવના ઇમરજન્સી કેસ આવ્યા છે.ગત વર્ષે 8 મહિનામાં 6228 દર્દી હતાં. આમ ઇમરજન્સીમાં 8.81 ટકાનો વધારો નોંધાયો છે.
ઉલટી ઉબકાની ફરિયાદો દર્દીઓમાં જોવા મળી રહી છે
ભાવનગરમાં ભારે તાવની ઇમરજન્સી 19.52 ટકા વધી છે.એ જ રીતે મહેસાણામાં ભારે તાવના ઇમરજન્સી કેસમાં 36 ટકા,દેવભૂમિ દ્વારકામાં 37.5 ટકા, ગીર સોમનાતમાં 36.15 ટકા, કચ્છ જિલ્લામાં 120.48 ટકા, ખેડામાં 37.48 ટકા, મોરબીના જિલ્લામાં 21.82 ટકા, મોરબીમાં 53.11 ટકા, પંચમહાલ જિલ્લામાં 36.35 ટકા, પોરબંદરમાં 36.88 ટકા, સાબરકાંઠા જિલ્લામાં 45.33 ટકા, તાપી જિલ્લામાં 15.82 ટકા એમ એકંદરે ગત વર્ષની સરખામણીએ ભારે તાવની લગતી ઇમરજન્સી 9.18 ટકા જેટલી વધી છે.ભારે તાવની સ્થિતિમાં ખૂબ ઠંડી લાગવી, તીવ્ર માથાનો દુખાવો, સ્નાયુઓ અને સાંધામાં અસહ્ય દુખાવો, અતિશય પરસેવો વળવો, ચક્કર આવવા, અશક્તિ, ભૂખ ન લાગવી તેમજ ઉલટી ઉબકાની ફરિયાદો દર્દીઓમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ નાગરિકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા મેગા કૅમ્પ યોજાયો