ગુજરાત સરકારે માવઠાને કારણે પાક નુકસાનીનું રાહત પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતો માટેનું ઐતિહાસિક ગણાતું 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ટ્વિટર પર પોસ્ટ શેર કરીને જાહેરાત કરી છે. ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ પેકેજને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે, રાજ્યમાં સૌ પ્રથમ વાર આ ઐતિહાસિક પેકેજ જાહેર કરાયું છે.


251 તાલુકાના 16,500થી વધુ ગામોમાં નુકસાન

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, આ વખતે વધુ પ્રમાણમાં વરસાદ થયો છે. 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સરવે 5100 ટીમોએ હાથ ધર્યો હતો. કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ૩ દિવસમાં પૂર્ણ કરવા માટે 5 હજારથી વધુ ટીમોને દિવસ રાત કાર્યરત કરવા આદેશ અપાયો હતો.

હેક્ટર દીઠ 22 હજાર રૂપિયાની સહાય ચૂકવાશે

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 22 હજાર રૂપિયાની સહાય ચૂકવાશે. માવઠાને કારણે 16, 500થી વધુ ગામોમાં 44 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું છે. મંત્રીઓ અને સચિવો સાથે ચર્ચા કર્યા બાદ આ રાહત પેકેજનો નિર્ણય લેવાયો છે. ખેડૂતો માટે 15 હજાર કરોડની જણસની ખરીદી થશે.9 નવેમ્બરથી મગફળી સહિતની જણસની ખરીદી થશે. સરકાર ખેડૂતોનું મનોબળ ન તૂટે તેવા પ્રયત્નો કરશે.સરવેમાં પિયત અને બિનપિયતનો ભેદ નથી રખાયો.


  • Follow us on: