ગુજરાતમાં ભાડા બિલ (Gujarat Rent Control Bill) સંબંધિત વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વકીલોના પ્રતિનિધિમંડળ વચ્ચે યોજાયેલી મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. બેઠક દરમિયાન રાજ્ય સરકારે વકીલોની પડતર માંગણીઓ પ્રત્યે અત્યંત હકારાત્મક વલણ દાખવ્યું હતું. મધ્યસ્થી બાદ ભાડા બિલ હેઠળના તમામ કાનૂની પાવર તંત્રને બદલે પુનઃ જ્યુડિશરી (ન્યાયતંત્ર) ને સોંપવા અંગે સરકારે સૈદ્ધાંતિક સહમતિ દર્શાવી છે.
કાયદામાં સુધારા માટે રચાશે કમિટી
સરકાર સાથે થયેલી બેઠક બાદ સ્મોલ કોઝ બાર એસોસિએશનના પ્રમુખ જયશંકર પ્રજાપતિએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, "અમારી મુખ્ય માંગણી સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. કાયદામાં જરૂરી સુધારા-વધારા કરવા માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવશે અને આ સમગ્ર પ્રક્રિયા આગામી 10 થી 15 દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે." સરકારે આપેલી આ ચોક્કસ બાંહેધરીથી વકીલ મંડળમાં સંતોષની લાગણી વ્યાપી છે.
