ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓની સુરક્ષા, શિસ્ત અને શૈક્ષણિક વાતાવરણ જાળવી રાખવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તાજેતરના સમયમાં વિવિધ રાજકીય નેતાઓ અને અસંબંધિત લોકો દ્વારા શાળાઓમાં અચાનક જઈને ચેકિંગ કરવા અને વિવાદો સર્જાવાના કિસ્સાઓ સામે આવ્યા બાદ સરકારે આ મોટો નિર્ણય લીધો છે. આ નવા નિયમોના અમલીકરણથી શાળાઓમાં બિનજરૂરી દખલગીરી અટકશે અને શૈક્ષણિક કાર્ય સુચારૂ રૂપે ચાલી શકશે.
લેખિત મંજૂરી અનિવાર્ય અને મુલાકાતીઓ માટે રજિસ્ટર નિભાવવું ફરજિયાત
નવા પરિપત્રની વિગતો અનુસાર, હવેથી કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ કે બહારના વ્યક્તિત્વે સરકારી શાળાની મુલાકાત લેવા માટે અગાઉથી લેખિત મંજૂરી મેળવવી પડશે. આ ઉપરાંત, શાળા પરિસરમાં આવતા દરેક મુલાકાતીઓની નોંધ રાખવા માટે તમામ શાળાઓમાં 'વિઝિટર રજિસ્ટર' (મુલાકાતીઓનું રજિસ્ટર) નિભાવવાનું પણ તદ્દન ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી શાળામાં કોણ આવે છે અને કોને મળે છે તેની સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે.
