ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યભરના ST બસ સ્ટેશનો પર મુસાફરોને સ્વચ્છ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે એક વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. વર્ષોથી બસ સ્ટેશનો પર ગંદા અને જૂના શૌચાલયોની સમસ્યાથી ઝઝૂમતા લાખો મુસાફરોને હવે આ તકલીફમાંથી કાયમી મુક્તિ મળશે. નિગમ દ્વારા રાજ્યના 56 જેટલા મુખ્ય બસ સ્ટેશનોના ટોયલેટ બ્લોક્સને આધુનિક રીતે અપગ્રેડ કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
6 બસ સ્ટેશનો પર કામગીરી પૂર્ણ
આ ખાસ ઝુંબેશ હેઠળ બસ સ્ટેશનો પર રિપેરીંગ અને રિનોવેશનની કામગીરી ઝડપથી ચલાવવામાં આવી રહી છે. જે પૈકી 6 બસ સ્ટેશનો પર શૌચાલયોના અપગ્રેડેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે 17 બસ સ્ટેશનો પર હાલ કામગીરી ઝડપથી ચાલી રહી છે. બાકીના 33 બસ સ્ટેશનોમાં આગામી 12 મહિનાના સમયગાળા દરમિયાન કામગીરી પૂર્ણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ નવા વેસ્ટર્ન અને ઇન્ડિયન WC, આધુનિક યુરિનલ, સુધારેલી ડ્રેનેજ સિસ્ટમ અને પૂરતા પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
