ગુજરાતમાંથી અયોધ્યા દર્શનાર્થે જતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને સર્વશ્રેષ્ઠ સુવિધા,આતિથ્ય અને દિવ્ય અનુભવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અયોધ્યા ખાતે ભવ્ય યાત્રી નિવાસ તૈયાર કરવામાં આવશે.અયોધ્યા ખાતે નિર્માણાધીન ટાઉનશીપમાં કુલ 6929 વર્ગ મીટર જમીન વિસ્તારમાં રૂ.80.25 કરોડના ખર્ચે ભવ્ય ‘યાત્રી નિવાસ’ સુવિધા વિકસાવવામાં આવશે.
એક વર્ષમાં આ યાત્રી નિવાસ ખુલ્લું મૂકવામાં આવશે
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આકાર પામી રહેલા આ અત્યાધુનિક યાત્રી નિવાસમાં 308 બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના રૂમ અને 864 સીટીંગ કેપેસીટીવાળો વિશાળ હોલ ઉપલબ્ધ રહેશે.આ ઉપરાંત રિસેપ્શન સેન્ટર, વિઝીટર લાઉન્જ, સોવેનીયર શોપ, મલ્ટીપર્પઝ હોલ, ઓડીટોરિયમ, મીટીંગ રૂમ, ડાઈનીંગ એરિયા, ટેરેસ ગાર્ડન, ડિજિટલ ડિસ્પ્લે અને આકર્ષક લેન્ડસ્કેપિંગ જેવી અધતન સુવિધાઓથી આ સંકુલ સજ્જ કરવામાં આવી રહ્યું છે.આ યાત્રી નિવાસનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી એક વર્ષમાં આ યાત્રી નિવાસ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.
