ગુજરાત આજે પરંપરાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા રાજ્યમાંથી હાઈટેક સનરાઈઝ સેક્ટર્સ જેવા કે સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને હાઈપર-સ્કેલ ડેટા સેન્ટર્સના વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યું છે.ગુજરાતમાં વર્ષ 2006માં સ્થાપિત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આજે સ્પેસ ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને આગામી ક્વોન્ટમ મિશન સહિતના 11 મુખ્ય વર્ટિકલ્સ પર કાર્ય કરી રહ્યું છે.ભૂતકાળમાં જ્યાં પ્રાથમિક શાળાઓના વિજ્ઞાન મેળાઓ સામાન્ય મોડલ્સ પૂરતા સીમિત હતા ત્યાં આજે ગુજકોસ્ટ આયોજિત 'રોબોફેસ્ટ' જેવા મંચો થકી હજારો યુવા વિદ્યાર્થીઓ મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ અને આઈટીના સમન્વયથી અત્યંત જટિલ વાસ્તવિક રોબોટ્સનું નિર્માણ કરી શિક્ષણ ક્ષેત્રે આવેલા ક્રાંતિકારી બદલાવને પ્રદર્શિત કરી રહ્યા છે.
રોબોફેસ્ટ ગુજરાત 6.0નું આજે લોન્ચિંગ કર્યું
સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા દેશની સૌથી પ્રતિષ્ઠિત અને પ્રતિભાશાળી રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 6.0નું આજે લોન્ચિંગ કર્યું હતું.અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, રોબોટિક્સ ટેકનોલોજી માત્ર વૈજ્ઞાનિક સંશોધન પૂરતી મર્યાદિત ન રહેતા માનવજીવન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય બની ચૂકી છે.તબીબી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિના ઉદાહરણરૂપે,એશિયાની ખ્યાતનામ કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે તાજેતરમાં જ રોબોટિક સર્જરીના માધ્યમથી સાત જટિલ લિવર ટ્રાન્સપ્લાન્ટ 100 ટકા સફળતાના દર સાથે પીડારહિત રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે.
