ગુજરાતને વૈશ્વિક સ્તરે રોકાણ માટેનું સૌથી આકર્ષક રાજ્ય બનાવવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી દ્વારા રાજ્યની 'નવી ઔદ્યોગિક પોલિસી 2026' ની જાહેરાત કરવામાં આવી છે. આ નવી નીતિને 'વિકસિત ભારત 2047' ના વિઝનને સાકાર કરનારી ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ પોલિસી રોકાણો આકર્ષવા પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્યના દરેક ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડે તે રીતે તૈયાર કરવામાં આવી છે. ઉદ્યોગ જગત તરફથી મળેલી તમામ માંગણીઓનો સ્વીકાર કરીને જ આ નીતિ ઘડવામાં આવી છે, જે અન્ય રાજ્યોના ઉદ્યોગોને પણ ગુજરાત તરફ આકર્ષિત કરશે.


વડાપ્રધાનના સુશાસનને અભિનંદન અને ‘રેડ કાર્પેટ’ અભિગમ

નવી નીતિની જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ વડાપ્રધાનના સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા બદલ ગૌરવભેર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના 12 વર્ષનો આ સમયગાળો દેશ અને રાજ્ય માટે સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે નવા શિખરો સર કરનારો સાબિત થયો છે. વડાપ્રધાને ઉદ્યોગો માટે રેડ ટેપીઝમ નાબૂદ કરી 'રેડ કાર્પેટ' ની સુવિધા આપી છે. જેના કારણે આજે ગુજરાત મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર છે.

મહિલા સશક્તિકરણ અને પ્રાદેશિક સંતુલન પર ભાર

નવી ઔદ્યોગિક પોલિસી 2026માં પર્યાવરણ અને સર્વસમાવેશી વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ નીતિના મુખ્ય આકર્ષણો નીચે મુજબ છે:

મહિલા કો-ફાઉન્ડર્સ માટે વિશેષ સહાય: ઉદ્યોગોમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે જે કંપનીઓમાં મહિલા કો-ફાઉન્ડર હશે, તેમને સરકાર તરફથી વિશેષ નાણાકીય સહાય અપાશે.

ગ્રીન અને સસ્ટેનેબલ ઈન્ડસ્ટ્રીઝ: પર્યાવરણનું સંરક્ષણ એ જ સાચો વિકાસ છે, તેથી પ્રદૂષણ મુક્ત અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ આધારિત ઉદ્યોગોને સર્વોચ્ચ પ્રાધાન્ય અપાયું છે.

સંતુલિત પ્રાદેશિક વિકાસ: આ નીતિ દ્વારા માત્ર ચોક્કસ શહેરોમાં જ નહીં, પરંતુ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પણ ઉદ્યોગો સ્થપાય તે માટે ખાસ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: