ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે આજે એકસાથે બે મોટી અને મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે રૂપિયા 10,000 કરોડનું વિશાળ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણયથી માવઠાના કારણે મોટું આર્થિક નુકસાન વેઠી રહેલા લાખો ખેડૂતોને મોટી આર્થિક સહાય મળશે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ સહાય પાક નુકસાનીના વળતર રૂપે જાહેર કરવામાં આવી છે, જેથી ખેડૂત ફરીથી બેઠો થઈ શકે.


9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

રાહત પેકેજની જાહેરાત ઉપરાંત, CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને બીજો એક મોટો આધાર આપ્યો છે. રાજ્યમાં આગામી 9 નવેમ્બરથી ખેડૂતોના મુખ્ય પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદીમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોનો સમાવેશ થાય છે. સરકારી અંદાજ મુજબ, આ ખરીદીનું કુલ મૂલ્ય રૂપિયા 15,000 કરોડથી વધુનું થવાની સંભાવના છે. ટેકાના ભાવે ખરીદી શરૂ થવાથી ખેડૂતોને કમોસમી વરસાદથી પાકની ગુણવત્તા પર પડેલી અસર છતાં, પોષણક્ષમ ભાવ મળી રહેશે અને તેમને ખુલ્લા બજારમાં ઓછી કિંમતે પાક વેચવો નહીં પડે.

સરકારની ખેડૂતલક્ષી પ્રતિબદ્ધતા

કમોસમી વરસાદની આફત અને પાક નુકસાન સામે રાજ્ય સરકારે જે ઝડપથી અને ઉદારતાથી રૂપિયા 10,000 કરોડની સહાય અને ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે, તે ખેડૂતોની સુખાકારી પ્રત્યેની સરકારની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ બંને નિર્ણયોથી ખેડૂતોને નુકસાન સામે વળતર અને પાકના સારા ભાવ એમ બેવડો લાભ મળશે. CMની જાહેરાત બાદ હવે કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગ દ્વારા ઝડપથી સહાયની ચૂકવણી અને ખરીદીની પ્રક્રિયા શરૂ કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેથી ખેડૂતોને તહેવારોના આ માહોલમાં મોટી આર્થિક રાહત મળી શકે.


  • Follow us on: