ગાંધીનગર સ્થિત જાણીતી અને પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (IITE) યુનિવર્સિટીમાં નવા વાઈસ ચાન્સેલર (VC) ની વરણી માટેની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા IITE ના નવા VC ની પસંદગી કરવા માટે 4 સભ્યોની એક ઉચ્ચ સ્તરીય સર્ચ કમિટીની રચના કરવામાં આવી છે. યુનિવર્સિટીના શૈક્ષણિક કાર્યોને વધુ વેગ આપવા અને યોગ્ય નેતૃત્વ મળી રહે તે માટે આ કમિટી વિવિધ નામોની ચકાસણી કરીને યોગ્ય ઉમેદવારની ભલામણ કરશે.
જાણો કમિટીમાં કોણ કોણ સામેલ
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, આ 4 સભ્યોની સર્ચ કમિટીમાં શિક્ષણ અને અકાદમિક જગતના અનુભવી ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. કમિટીમાં અગ્રણી શિક્ષણવિદ્ ડૉ. પરિમલ ત્રિવેદીનો સમાવેશ કરાયો છે, તેમજ તેમની સાથે ડૉ. શૈલેષ ઝાલા અને ડૉ. કલ્પેશ વાંદ્રા પણ સભ્ય તરીકે સામેલ છે. આ ઉપરાંત, અનુભવી શિક્ષણશાસ્ત્રી પ્રોફેસર એન.સી. ગૌતમ પણ આ સર્ચ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ ઉમેદવારોની લાયકાત અને અનુભવ ચકાસીને યોગ્ય નામોની પેનલ તૈયાર કરશે.
