ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં સરકારી કર્મચારીઓના વિવિધ સંગઠનોના હોદ્દેદારો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્યના શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વહીવટી અને શૈક્ષણિક સ્ટાફના લાંબા સમયથી પેન્ડિંગ રહેલા વિવિધ પડતર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવાના આશયથી આ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલી આ બેઠકમાં કર્મચારીઓના હિતલક્ષી મુદ્દાઓ અને તેમની રજૂઆતો પર ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી હતી.
આચાર્ય સંઘ અને શિક્ષક મહાસંઘના આગેવાનો સાથે સંવાદ
આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના વિવિધ શૈક્ષણિક મંડળો જેવા કે આચાર્ય સંઘ, વહીવટી કર્મચારી સંઘ, પ્રાથમિક-માધ્યમિક શિક્ષક સંઘ તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મહાસંઘના પ્રતિનિધિઓ અને પ્રમુખ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ તમામ સંગઠનોના પ્રતિનિધિઓને સાંભળીને તેમના વહીવટી, પગાર ધોરણ, બઢતી અને બદલી સહિતના પડતર પ્રશ્નોની ઝીણવટભરી વિગતો મેળવી હતી અને કર્મચારીઓને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે નિકાલ લાવવાની દિશામાં ચર્ચા કરી હતી.

