ઇઝરાયલના નાણામંત્રી બેઝેલેલ સ્મોટ્રિચે તેમના ત્રણ-દિવસીય ભારત પ્રવાસના ભાગરૂપે આજે ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને દેશના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર એવાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી એટલેકે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ગિફ્ટ સિટીની ફાઇનાન્સિયલ સર્વિસિસ, અદ્યતન ટેક્નોલોજી અને ઇનોવેશન માટેના પ્રમુખ કેન્દ્ર તરીકેની ઓળખને મજબૂત કરે છે. જે વૈશ્વિક લીડર્સ અને રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે.
તેમણે ગિફ્ટ સિટીના પ્રશંસા કરી
ઇઝરાયલ સરકાર અને નિયામકોના ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે શ્રી સ્મોટ્રિચે આઇએફએસસીએના ચેરમેન કે. રાજારામન, ગિફ્ટ સીટીના એમડી અને ગ્રૂપ સીઇઓ સંજય કૌલ તથા ગિફ્ટ સિટી અને આઇએફએસસીએના વરિષ્ઠ અધિકારીઓ સાથે આઇએફએસસી, ફિનેટક ઇનોવેશન હબ અને પ્રગતિશીલ નિયામકીય માળખા સહિત ગિફ્ટ સિટીના ડેવલપમેન્ટ મોડલને સમજવા વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે ગિફ્ટ સિટીના સ્કેલ, વિઝન અને અમલીકરણની પ્રશંસા કરી હતી તેમજ તેને ફ્યુચર-રેડી ફાઇનાન્સિયલ અને ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના મોડલ તરીકે પ્રશંસા કરી હતી.
તેમણે ગિફ્ટ સિટીની મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે નોંધ લીધી
ગિફ્ટ સિટીને ભારતના એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે જોતાં મંત્રીએ ભારતને વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ તરીકે સ્થાપિત કરવામાં ગિફ્ટ સિટીની ભૂમિકાની નોંધ લીધી હતી તથા ભારત-ઇઝરાયલ વચ્ચે ફાઇનાન્સ અને ટેક્નોલોજીમાં સહયોગ માટે એક મજબૂત પ્લેટફોર્મ તરીકે તેની સંભાવના હાઇલાઇટ કરી હતી.
મુલાકાત દરમિયાન વિવિધ તકો વિશે થઇ ચર્ચા
ગિફ્ટ સિટીમાં સ્મોટ્રિચનું સ્વાગત કરતાં ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ સીઇઓ, આઇએએસ, સંજય કૌલે કહ્યું હતું કે અમે ગિફ્ટ સિટીમાં બેઝેલેલ સ્મોટ્રિચનું સ્વાગત કરતાં ખુશી અનુભવીએ છીએ. તેમની મુલાકાત આધુનિક ફાઇનાન્સિયલ અને ટેક હબ તરીકે ગિફ્ટ સિટીની વૈશ્વિક ઓળખ દર્શાવે છે. અમે ભારત અને ઇઝરાલય વચ્ચે ફિનટેક, ઇનોવેશન અને સસ્ટેનેબલ ફાઇનાન્સ જેવાં ક્ષેત્રોમાં સહયોગની અપાર સંભાવનાઓ જોઇએ છીએ. અમે લાંબાગાળાની ભાગીદારી વિકસિત કરવાં ઉત્સુક છીએ કે જે બંન્ને અર્થતંત્રો માટે મૂલ્ય સર્જન કરે. આ મુલાકાત દરમિયાન ગિફ્ટ સિટીમાં બેંકિંગ, ઇન્શ્યોરન્સ, કેપિટલ માર્કેટ્સ, ફિનેટક અને એસેટ મેનેજમેન્ટ સહિતના ક્ષેત્રોમાં ઉપલબ્ધ વિવિધ તકો વિશે ચર્ચા થઇ હતી.