ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે બનેલા ગૌહત્યાના એક સનસનાટીભર્યા કેસમાં સેશન્સ કોર્ટે અત્યંત કડક અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ત્રણ આરોપીઓ વસીમ કુરેશી, મોહમ્મદ રફિર કુરેશી અને અસ્ફાક બાહેલીમને આજીવન કેદની સજા ફટકારી છે, આ સાથે જ દરેક આરોપી પર રૂપિયા 2 લાખનો મોટો દંડ પણ ફટકાર્યો છે.

જામળા ગામમાં ગેરકાયદે ગૌકતલનો બનાવ અને તપાસ

તારીખ 22 ઓગસ્ટ, 2024ના રોજ કલોલ તાલુકાના જામળા ગામની સીમમાં ગેરકાયદે ગૌકતલનો ગંભીર બનાવ બન્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને કલોલ તાલુકા પોલીસે તાત્કાલિક ધોરણે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળેથી કુલ 277 કિલો ગૌમાંસ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી અને ત્યારબાદ કેસ કલોલ કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો.

કોર્ટનું ઐતિહાસિક અવલોકન અને મનુ સ્મૃતિનો ઉલ્લેખ

આ કેસની સુનાવણી દરમિયાન એડિશનલ સેશન્સ જજ બી. આર. રાજપુતે ખૂબ જ મહત્વપૂર્ણ અને માર્મિક અવલોકનો કર્યા હતા. કોર્ટે ચુકાદામાં ઋગ્વેદ અને મનુ સ્મૃતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ગાયને માત્ર એક સામાન્ય પ્રાણી તરીકે નહીં, પરંતુ આપણા સમાજ અને ધર્મના એક અત્યંત મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ તરીકે જોવામાં આવી છે. નામદાર જજે વધુમાં ટકોર કરી હતી કે, જો આવા આરોપીઓને કાયદા મુજબ કડક સજા કરવામાં નહીં આવે, તો સમય જતાં ગૌમાતા પૃથ્વી પરથી લુપ્ત થઈ જશે.

Gandhinagar News: Kalol Cow Slaughter Case: 3 Sentenced to Life Imprisonment

DYCM હર્ષ સંઘવીની પ્રતિક્રિયા

કલોલ કોર્ટના આ કડક અને ન્યાયી ચુકાદાને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવકાર્યો છે. આ અંગે નિવેદન આપતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ ચુકાદો એ વાતનો સ્પષ્ટ સંદેશ છે કે, રાજ્યની ધરતી પર જે કોઈ ગૌહત્યા જેવા જઘન્ય અપરાધમાં સંડોવાશે તેમને કાયદો કોઈપણ સંજોગોમાં છોડશે નહીં. સાક્ષીઓની મજબૂત જુબાની અને પુરાવાઓના આધારે આવેલા આ ચુકાદાથી ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.


આ પણ વાંચો: Gandhinagarના માણસાના વરસોડા ગામે ફાયરિંગ કેસ મામલે 10 આરોપીઓની ધરપકડથી સનસનાટી