ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક આવેલા સાંતેજ જીઆઇડીસી (GIDC) વિસ્તારમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાંતેજ GIDCમાં આવેલી સોનલબેન ખાખરાવાળા ફેક્ટરીમાં આ આગની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા.


ગાંધીનગરના સાંતેજમાં ગોડાઉનમાં આગ

આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની કુલ સાત ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો સઘન પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, જે સમયે આગ લાગી ત્યારે ફેક્ટરી બંધ હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફેક્ટરી બંધ હોવાને કારણે હાલના તબક્કે કોઈ જાનહાનિ ન હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે, જે રાહતની વાત છે.

સોનલબેન ખાખરાવાળાના ગોડાઉનમાં આગ 

જોકે, આગના કારણે ફેક્ટરીમાં રાખેલો કાચો માલ અને મશીનરીઓને મોટું નુકસાન થયું હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે ફેક્ટરી સંચાલકો અને પોલીસ દ્વારા રાત્રિના સમયે નાઇટ શિફ્ટમાં કોણ કોણ નોકરીએ હતું સહિતની અન્ય વિગતો મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી આગ લાગવાના ચોક્કસ કારણો જાણી શકાય.ફાયર બ્રિગેડની સતત મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ આ ઘટનાથી GIDC વિસ્તારમાં સુરક્ષા અને ઇલેક્ટ્રિકલ સેફ્ટીના માપદંડો પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે.

  • Follow us on: