ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપોની અસરકારક તપાસ કરવા માટે પંચાયત અધિનિયમ 1993માં નવા નિયમો અને કાર્યપ્રણાલીઓ જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીઓ અને મનરેગા કૌભાંડ જેવા પ્રકરણોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
પંચાયત અધિનિયમ 1993માં નવા નિયમો જાહેર
અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયાના જણાવ્યા અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે ત્રણ PIL (જાહેર હિતની અરજીઓ) થયેલી હતી. હાઈકોર્ટના આદેશને પગલે, પંચાયતને લગતી અલગ-અલગ જોગવાઈઓનું સંકલન કરવામાં આવ્યું છે. હવે ભ્રષ્ટાચાર, ગેરરીતિ કે અન્ય આરોપોની તપાસ માટે તમામ બાબતો માટે એક સમાન SOP (Standard Operating Procedure) તૈયાર કરવામાં આવી છે. આ નવા નિયમો બનાવીને તેને સંબંધિત વિભાગને મોકલવામાં આવ્યા છે. ડૉ. દહિયાએ સ્પષ્ટ કર્યું કે આ નવા નિયમો ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપોની તપાસ માટે માર્ગદર્શિકા પૂરી પાડશે.
મનરેગા કૌભાંડ અને કાયદાકીય છટકબારી
ગુજરાત પંચાયત પરિષદના માનદ મંત્રીએ જણાવ્યું કે આ નિયમો બનાવવાની જરૂરિયાત ખાસ કરીને મનરેગા કૌભાંડ જેવા કિસ્સાઓ સામે આવ્યા પછી ઊભી થઈ. આ કૌભાંડ સામે આવતા હાઈકોર્ટે સરકારને કડક આદેશ કર્યો હતો. તેમણે કહ્યું કે પંચાયત અધિનિયમ 1993થી અસ્તિત્વમાં આવ્યો હોવા છતાં, ટેકનિકલ શરત ચૂકના કારણે કેટલાક લોકો તેનો ગેરલાભ લેતા હતા.
તમામ બાબતો માટે એક SOP તૈયાર કરાઈ
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પંચાયતના અધિકારી પાસે ₹1 રાખવાની સત્તા નથી અને પંચાયત ખર્ચ કરે તેમાં પદાધિકારીઓ (પ્રમુખ સહિત)ની કોઈ સહી હોતી નથી. તેમણે આક્ષેપ કર્યો કે "જાડી ચામડીના લોકોએ પોતાને બચાવવા આળ નાખવાનું કામ કર્યું" અને વર્તમાન પ્રકરણ ઊભું કર્યું છે. નવા નિયમોના અમલથી પંચાયત સ્તરે થતા ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવામાં અને જવાબદારી નક્કી કરવામાં મદદ મળશે.









