રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ તા. 1લી સપ્ટેમ્બરથી તા.14 ઓક્ટોબર 2026 સુધી નંબર પ્લેટ વગરના,ચેડાં કરેલી અથવા અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે એક વિશેષ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આ વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હેઠળ 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કુલ 18014 કેસ કરવામાં આવ્યા છે.વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કરવાના કિસ્સાઓમાં કુલ 4187 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.
કુલ રૂ.58.56 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો
ટ્રાફિક નિયમોના ભંગ બદલ આ સઘન ઝુંબેશ દરમિયાન કુલ રૂ.58.56 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.આ ઝુંબેશ અંતર્ગત વાહન વ્યવહાર સુરક્ષિત બનાવવા અને નિયમ વિરુદ્ધ વાહનો ચલાવતા તત્વો પર કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.આ ઝુંબેશ અંતર્ગત સુરત શહેરમાં 1786, વડોદરા શહેરમાં 1959 અને બનાસકાંઠામાં 1363 કેસ કરવામાં આવ્યા છે.રાજ્યના પોલીસ વડાની કડક સૂચના બાદ તમામ જિલ્લાઓ અને શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
