ગુજરાતના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને મહત્વપૂર્ણ દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે.નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તે હેતુથી વહીવટી પ્રક્રિયામાં કેટલાક મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.
ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી
પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં.પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે. પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની પણ જરૂર રહેતી નથી.
