રાજ્યની શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની ઉગ્ર માંગ સાથે ઉમેદવારોએ ફરી એકવાર આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. પાટનગર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષકના ઉમેદવારો એકઠા થયા હતા અને સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સરકાર દ્વારા અગાઉ ખાતરી આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી ભરતી પ્રક્રિયા શરૂ ન થતાં ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની ઉગ્ર માગ

આંદોલન પર ઉતરેલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે આજથી 19 મહિના પહેલાં સરકાર સાથે આ મુદ્દે સમાધાન થયું હતું અને ભરતી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. તેમ છતાં 19 મહિના જેટલો લાંબો સમય વીતી ગયા બાદ પણ ભરતી અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઉમેદવારોએ રોષભેર જણાવ્યું હતું કે સરકાર કાચબા ગતિએ કામ કરી રહી છે, જેના કારણે લાયકાત ધરાવતા સેંકડો ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.

ભરતી અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી

ઉમેદવારોની મુખ્ય માંગ છે કે રાજ્યની શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની તાત્કાલિક ધોરણે કાયમી ભરતી કરવામાં આવે અને આ ભરતી યોગ્યતા કસોટી (TAT/SAT)ના આધારે પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવે. આંદોલનકારી ઉમેદવારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં નહીં આવે, ત્યાં સુધી ગાંધીનગર ખાતે તેમનું આ આંદોલન અવિરતપણે ચાલુ રહેશે.

આ પણ વાંચો: Ahmedabad: AMC ફૂડ વિભાગનો લેબ રિપોર્ટ જાહેર, ચાંદીના વરખમાં એલ્યુમિનિયમ અને મિક્સ ચવાણામાં નોન-પરમિટેડ કલર મળ્યા