ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાસેવામાં આવી હતી.


એસિડ એટેક બાદ રીક્ષાચાલક ઘટનાસ્થળેથી ફરાર

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે ફરજ પર હાજર મહિલા હોમગાર્ડ્સે એક રીક્ષાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. રીક્ષાચાલકે આ અદાવત રાખીને પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંક્યો હતો. એસિડ એટેક બાદ રીક્ષાચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે આરોપીને ઝડપ્યો

જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી રીક્ષાચાલક અશોક રાવતને ઝડપી પાડ્યો છે. આ હુમલા પાછળનો ચોક્કસ ઈરાદો અને અન્ય કોઈ કારણો છે કે કેમ તે દિશામાં કલોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. પોલીસ દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.


  • Follow us on: