ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા માતાજીના માંડવાના ધાર્મિક પ્રસંગમાં આપેલું મોટું નિવેદન હવે રાજકીય અખાડો બન્યું છે. તેમણે જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ.તેમના આ નિવેદન બાદ પાટીદાર સમાજના બે નેતાઓ મેદાનમાં ઉતર્યા હતાં. હવે આ પાટીદાર નેતાઓ સામે કોળી સમાજના પિન્ટુ કોળીએ મોટું નિવેદન આપતાં માહોલ વધુ ગરમ થયો છે. બીજી તરફ રાજ્ય મંત્રી પુરુષોત્તમ સોલંકીએ પણ આ બાબતે નિવેદન આપ્યું છે.
રાજકારણમાં કોળી સમાજને મહત્વનું સ્થાન મળવું જોઈએ
ગુજરાતમાં કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાની માંગ અંગે પબુભા માણેક દ્વારા આપવામાં આવેલા નિવેદન પર રાજ્યના મંત્રી પરષોત્તમ સોલંકીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.પરષોત્તમ સોલંકીએ કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવા અંગે સીધું કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.પરંતુ તેમણે સમાજના પ્રતિનિધિત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપ સમજો છો કે શું મળવું જોઈએ. રાજકારણમાં કોળી સમાજને મહત્વનું સ્થાન મળવું જોઈએ. આ ઉપરાંત પરષોત્તમ સોલંકીએ એવી પણ રજૂઆત કરી હતી કે હાલમાં સમાજ પાસે જેટલી બેઠકો છે તેના કરતાં પણ વધારે બેઠકો મળવી જોઈએ.
