ગાંધીનગર ખાતે યોજાયેલા 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમ દરમિયાન જમીન વિવાદનો એક ગંભીર મામલો સામે આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર ભારે અકળાયા હતા. અરજદારની રજૂઆત સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત અધિકારીઓનો ઉધડો લીધો હતો, અને ગમે તે ભોગે નાગરિકની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની સ્પષ્ટ ખાતરી આપી હતી.
મોરબીના પ્રશ્ને R એન્ડ B અને NHAIને તાકીદ
આ કેસ મોરબી જિલ્લાના એક અરજદાર સાથે જોડાયેલો હતો, જેનો વર્ષો જૂનો પ્રશ્ન હલ થઈ રહ્યો ન હતો. વર્ષો પહેલાં કોઈપણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા કે યોગ્ય કાર્યવાહી કર્યા વિના જ ખાનગી માલિકીની જમીનમાંથી સ્ટેટ હાઈવે ગેરકાયદે પસાર કરી દેવામાં આવ્યો હોવાની બાબત સામે આવતા મુખ્યમંત્રી ચોંકી ઉઠ્યા હતા. આ મામલે રોડ એન્ડ બિલ્ડિંગ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) વચ્ચે અટવાયેલા અને ગૂંચવાયેલા પ્રશ્નને ઉકેલવા માટે મુખ્યમંત્રીએ કમર કસીને અધિકારીઓને તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી હતી.

