ગિફ્ટ સિટી સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટર પ્રોજેક્ટનું સમયસર બાંધકામ પૂર્ણ ન થતાં ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા ડેવલપર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે,જેમાં પ્રોજેક્ટનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી નવા યુનિટ્સના બુકિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને રેરા કાયદાની કલમ 8 હેઠળ બાકી રહેલું કામ પૂરું કરવા વિચારણા હાથ ધરી અસરગ્રસ્ત પક્ષકારોને આગામી 2 નવેમ્બર સુધીમાં પોતાના વાંધા કે દાવા રજૂ કરવા આદેશ અપાયો છે.

સમયસર બાંધકામ પૂર્ણ ન થતાં ડેવલપર સામે નોટિસ 

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અથોરિટી દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આવેલા 'ડબલ્યુટીસી ગિફ્ટ ટાવર પ્રોજેક્ટને લઈને એક જાહેર નોટિસ જારી કરવામાં આવી છે.લાંબા સમયથી બાંધકામ પૂરું ન કરનાર અને વિવિધ તપાસનો સામનો કરી રહેલા આ પ્રોજેક્ટ સંદર્ભે રેરા એક્ટની કલમ હેઠળ કડક કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આ પ્રોજેક્ટની પૂર્ણ થવાની તારીખ 30 જૂન 2024 હતી પરંતુ તે મુદત વીતી જવા છતાં પ્રમોટર દ્વારા બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું નથી કે પ્રોજેક્ટ એન્ડ કમ્પ્લાયન્સ રિપોર્ટ પણ જમા કરાવાયો નથી.

1168 યુનિટ્સ પહેલેથી જ બુક થઈ ચૂક્યા છે

આ પ્રોજેક્ટમાં કુલ 1188 યુનિટ્સ છે જેમાંથી 1168 યુનિટ્સ પહેલેથી જ બુક થઈ ચૂક્યા છે અને હજારો ગ્રાહકો પોતાના યુનિટના કબજા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.પ્રમોટર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને SFIO જેવી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા નાણાકીય અનિયમિતતા અંગે તપાસ ચાલી રહી છે.તેમજ સ્થાનિક સત્તાધિકારી દ્વારા 4 જૂન 2025ના રોજ પ્રમોટર સાથેનો લીઝ કરાર પણ રદ કરી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટના આદેશ છતાં WTC ટ્રેડમાર્ક મામલે પણ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી અને પ્રોજેક્ટના મોટાભાગના ગ્રાહકોએ અલગથી પોતાની સોસાયટી પણ રજીસ્ટર કરાવી છે.   

રેરા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેરા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.જેના ભાગરૂપે પ્રોજેક્ટનું રેરા બેંક એકાઉન્ટ તાત્કાલિક ધોરણે ફ્રીઝ કરી દેવાયું છે, નવા બુકિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને રેરા પોર્ટલ પર પ્રમોટરનું એક્સેસ રદ કરી દેવામાં આવ્યું છે.અધૂરા વિકાસકાર્યોને પૂર્ણ કરવા માટેની આ પ્રક્રિયા અંતર્ગત કોઈપણ સંબંધિત નાગરિક કે ફાળવણીકાર પોતાના વાંધા કે દાવાઓ ડિજિટલ માધ્યમથી અથવા લેખિતમાં સેક્રેટરી,ગુજરાત રેરા,ગાંધીનગરની કચેરી ખાતે આગામી 2 નવેમ્બર 2026 સુધી રજૂ કરી શકશે. 

આ પણ વાંચોઃ Rajkot News: મનપાના નવા પદાધિકારીઓનો દંભ ઉઘાડો પડ્યો, કોન્ટ્રાક્ટરને બચાવવા માટે તંત્ર મેદાને આવ્યું