ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત અજીબ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 36 વર્ષીય એક યુવકે ત્રણ દીકરીઓ બાદ પુત્રપ્રાપ્તિ માટે રાખેલી માનતાની 100 રૂપિયાની નોટ અકસ્માતે ગળી લીધી હતી. આ ગળી ગયેલી નોટને પેટમાંથી બહાર કાઢવા માટે યુવકે અંધશ્રદ્ધા કે ઘેલછામાં આવીને પોતે જ પોતાના પેટમાં ચાકુના ઘા ઝીંકી દીધા હતા. પેટના ભાગે ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક ગંભીર પરિસ્થિતિમાં સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

તબીબોએ હાથ ધરી સફળ સર્જરી, પેટની દીવાલને પહોંચ્યું હતું ગંભીર નુકસાન

સિવિલ હોસ્પિટલના તબીબોએ ઘટનાની ગંભીરતા સમજીને દર્દીને તાત્કાલિક ઈમરજન્સી ઓપરેશન થિયેટરમાં લીધો હતો. સર્જરી દરમિયાન માલૂમ પડ્યું કે ચાકુ વાગવાના કારણે દર્દીના પેટની આગળની દીવાલને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. સર્જરી અને એનેસ્થેસિયા ટીમની સંયુક્ત મહેનતથી ટાંકા લઈને પેટની દીવાલનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સિવાય દર્દીને ખોરાક આપવા માટે આંતરડામાં ખાસ નળી મૂકવામાં આવી હતી તેમજ અન્ય આંતરિક અંગોને કોઈ નુકસાન થયું છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી.

દોઢથી બે કલાક ચાલેલા ઓપરેશન બાદ દર્દીની હાલત સ્થિર

આશરે દોઢથી બે કલાક સુધી ચાલેલી આ જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ દર્દીને સઘન તબીબી દેખરેખ હેઠળ આઈસીયુ (ICU) માં રાખવામાં આવ્યો હતો. ઓપરેશનના 5થી 6 દિવસ સુધી સતત ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ દર્દીની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે અને હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની સમયસૂચકતા અને કુશળ સારવારના કારણે યુવકનો જીવ બચી ગયો છે.

આ પણ વાંચો : Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!