10થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનાર 11મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના ભાગરુપેના ગુજરાત સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે 19થી 26 ઓક્ટોબર 2026 દરમિયાન સિંગાપોર અને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી.આ પ્રવાસનો મુખ્ય હેતુ ગુજરાતને વૈશ્વિક રોકાણ માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે રજૂ કરવાની સાથે, વ્યાપારી ભાગીદારી મજબૂત કરવાનો અને વૈશ્વિક કંપનીઓને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં આમંત્રણ આપવાનો હતો.સિંગાપોર પ્રવાસ દરમિયાન ડેલિગેશને કુલ 20 બેઠકોમાં ભાગ લીધો હતો, જેમાં 9 વન-ટુ-વન બિઝનેસ મીટિંગ્સ, 2 સરકારી (G2G) બેઠકો, 5 રાઉન્ડટેબલ બેઠક અને 4 સાઇટ મુલાકાતોનો સમાવેશ થાય છે.

ઉદ્યોગ મંડળો સાથે રાઉન્ડટેબલ બેઠકો યોજી 

ગુજરાતના પ્રતિનિધિ મંડળની આ બિઝનેસ મીટિંગ્સમાં સેમિકન્ડક્ટર્સ, વોટર અને વેસ્ટવોટર મેનેજમેન્ટ, ડિજિટલ ટેકનોલોજી, હેલ્થકેર, એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇન્ટિરિયર અને ફર્નિચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેરિટાઇમ સેવાઓ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રો પર ફોક્સ કરવામાં આવ્યું હતું. ઘણી કંપનીઓએ ગુજરાતમાં રોકાણ, ટેકનોલોજી ભાગીદારી, વ્યાપાર વિસ્તાર અને પાયલટ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં રસ બતાવ્યો છે.ગુજરાત સરકારના ડેલિગેશને સિંગાપોરના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય મંત્રી ગન સિઓવ હુઆંગ સાથે મુલાકાત કરી હતી. તેમજ સિંગાપોરમાં ભારતના હાઈકમિશનર ડૉ. શિલ્પક અંબુલે દ્વારા યોજાયેલા ડિનરમાં હાજરી આપી દ્વિપક્ષીય આર્થિક સંબંધો મજબૂત કર્યા હતા. ગુજરાત સરકારના પ્રતિનિધિ મંડળે માનનીય મંત્રી અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં ઉદ્યોગ મંડળો સાથે રાઉન્ડટેબલ બેઠકો યોજી હતી. 

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સની તકો અંગે રસ બતાવ્યો

સિંગાપોર મુલાકાતથી જે મુખ્ય રોકાણ આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે, તેના પર નજર કરીએ તો, ગ્લોબલ ટેક સોલ્યુશન્સએ ધોલેરા ખાતે ઇક્વિપમેન્ટ રિફર્બિશમેન્ટ અને ક્વાર્ટઝ મેન્યુફેક્ચરિંગમાં રસ દર્શાવ્યો છે. તો ભારત સેમિટેકે સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં રસ બતાવ્યો છે. તો માઇક્રોન ટેકનોલોજી દ્વારા એસેમ્બલી અને ટેસ્ટિંગમાં વિસ્તરણ, ASMPT દ્વારા પેકેજિંગ ઇકોસિસ્ટમ, ઓટોડેસ્ક (AutoDesk) દ્વારા GIFT સિટીમાં ઓફિસ શરૂ કરવાની ઉત્સુકતા બતાવી છે, જયારે રેડવુડ ઇન્ટિરિયર દ્વારા પોરબંદરમાં ફર્નિચર ઉત્પાદન, ગાર્ડન્ટ AMEA દ્વારા આરોગ્ય ક્ષેત્રે કૅન્સર નિદાન માટે GBU, GBRC, GCRI, GSBTM સાથે પ્રસ્તાવિત સહયોગને લઈ ચર્ચા કરવામાં આવી હતી. કેપેલ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા ગુજરાતમાં ડેટા સેન્ટરો અને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે પાણી, ઊર્જા, કૂલિંગ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સની તકો અંગે રસ બતાવ્યો હતો. 

સેમિકન્ડક્ટર જેવા ટેકનોલોજીકલ સેન્ટર્સની મુલાકાત લીધી

ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળની આ મુલાકાતમાં સિંગાપોર ગુજરાતી સોસાયટી અને SICCI સાથેની બેઠકમાં સિંગાપોરમાં એક 'ગુજરાત સપોર્ટ ઓફિસ' અથવા ASEAN પ્રદેશ માટે GIFT સિટી પ્રતિનિધિ કાર્યાલય શરૂ કરવા સૂચન કરાયું હતું.સિંગાપોરની મુલાતાક બાદ પ્રતિનિધિ મંડળ દક્ષિણ કોરિયાની મુલાકાતે પહોંચ્યું હતું, જયાં દક્ષિણ કોરિયામાં ડેલિગેશને કુલ 25 કાર્યક્રમો કર્યા હતા, જેમાં 15 વન-ટુ-વન બિઝનેસ મીટિંગ્સ, 3 રાઉન્ડટેબલ બેઠક અને 7 સાઇટ વિઝિટ્સ કરવામાં આવી હતી. ભારતીય એમ્બેસી અને 'મેક ઈન ઈન્ડિયા કોરિયા'ના સહયોગથી કોરિયન બિઝનેસ લીડર્સ રાઉન્ડટેબલ તથા ICCK ના સભ્યો સાથે બેઠકો યોજાઈ હતી. આ ઉપરાંત HJ હેવી ઇન્ડસ્ટ્રીઝ, હાનવા ઓશન, હાન્યાંગ એન્જિનિયરિંગ, GnBS ઇકો, ગાચોન યુનિવર્સિટી MRI રિસર્ચ સેન્ટર, દાવન મેડેક્સ BNCT સેન્ટર અને સિઓલ સેમિકન્ડક્ટર જેવા ટેકનોલોજીકલ સેન્ટર્સની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃAhmedabad News:પાર્કિંગની પૂરતી સુવિધા આપો અથવા ટોઇંગ બંધ કરો, શહેરના વેપારીઓની તંત્ર સામે માંગ