ગાંધીનગરના ધોળાકુવા મેટ્રો સ્ટેશન નજીક ગિફ્ટ સિટી જવાના માર્ગ પર રાજ્યનું પ્રથમ 12 માળનું અત્યાધુનિક હાઈરાઈઝ ઇન્ફોસિટી સ્માર્ટ મોડેલ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી આકાર લઈ રહ્યું છે.અંદાજે 20 કરોડ રૂપિયાના જંગી ખર્ચે અને 3000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ પામી રહેલા આ પ્રોજેક્ટથી પોલીસ આધુનિકરણ અને લોકઉપયોગી સેવાઓમાં નવો અધ્યાય શરૂ થશે.આ ભવનનું 20 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી ડિસેમ્બરના અંત સુધીમાં આ ઇમારત તૈયાર થઈ જશે.
ગ્રાઉન્ડ ફ્લોર પર વાહન પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ
આ હાઈરાઈઝ બિલ્ડિંગની રચનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર વાહન પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.ત્યારબાદ પ્રથમ ત્રણ માળમાં પોલીસ સ્ટેશન કાર્યરત રહેશે.જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરની અલગ ચેમ્બર, પીએસઓ રૂમ, ઇન્ટ્રોગેશન રૂમ, વેઇટિંગ એરિયા, રેકોર્ડ રૂમ, ઇન્વેસ્ટિગેશન સ્ટાફ માટેની જગ્યા, મીટિંગ રૂમ તેમજ કાઉન્સિલિંગ રૂમ જેવી સુવિધાઓ સામેલ છે. જ્યારે ચોથાથી લઈને બારમા માળ સુધીના નવ માળમાં પોલીસકર્મીઓ માટે લક્ઝુરિયસ ૨-બીએચકે ફ્લેટ બનાવાઈ રહ્યા છે.દરેક ફ્લોર પર ચાર ફ્લેટ બનાવવામાં આવશે. જેમાં આધુનિક કિચન, ડ્રોઈંગ રૂમ, માસ્ટર બેડરૂમ સાથે એટેચ્ડ બાથરૂમ અને વિટ્રિફાઈડ ટાઈલ્સનું ફ્લોરિંગ જેવી સુવિધાઓ મળશે.આ આવાસ મુખ્યત્વે એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કક્ષાના જવાનોને ફાળવવામાં આવશે.
