શિક્ષકોના બિન-શૈક્ષણિક કામના ભારણને ઘટાડવા માટે ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.જેમાં શિક્ષકોની તાલીમ,ઓનલાઈન પોર્ટલ પર ડેટા એન્ટ્રી અને અન્ય સરકારી વિભાગો દ્વારા સોંપાતા બિનશૈક્ષણિક કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં શિક્ષકોને બિનજરૂરી ઓનલાઈન એન્ટ્રીઓ અને અન્ય વધારાની કામગીરીમાંથી મુક્તિ આપીને વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય માટે વધુ સમય મળી રહે તે હેતુથી ઉચ્ચ અધિકારીઓની એક વિશેષ સમિતિ રચવાનો નિર્ણય લેવાયો છે.શિક્ષકો પર વધતા જતાં કામના ભારણને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ કામગીરી ઘટાડવા અંગે રજૂઆત કરતો પત્ર લખવામાં આવ્યો હતો.જેના પગલે સરકાર દ્વારા આ સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે.
એક વિશેષ સમિતિ રચવાની સૂચના આપવામાં આવી
શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ કહ્યું હતું કે,શિક્ષકોના પ્રશ્ને રાજ્ય સરકાર દ્વારા મિશન મોડ પર કામગીરી હાથ ધરવામાં આવી છે.શિક્ષણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગના અગ્રસચિવ વિનોદ રાવ અને પ્રાથમિક શિક્ષણ નિયામક પ્રકાશ ત્રિવેદીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં શિક્ષણ વિભાગ, જીસીઆરટી તથા સમગ્ર શિક્ષણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં શિક્ષકોની તાલીમ અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી.વિવિધ ઓનલાઇન પોર્ટલ પર કરવી પડતી એન્ટ્રીઓની સમીક્ષા થઈ હતી.સરકારી વિભાગો દ્વારા શિક્ષકોને સોંપાતી કામગીરી અંગે વિચારણા કરાઈ હતી.તમામ અધિકારીઓએ શિક્ષકોનું ભારણ ઘટાડવા મંતવ્યો રજૂ કર્યા હતા.બેઠકમાં થયેલી ચર્ચા મુજબ શિક્ષકોની કામગીરી સરળ બનાવવા માટે એક વિશેષ સમિતિ રચવાની સૂચના આપવામાં આવી છે.
