ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઝડપાઈ રહેલા ડ્રગ્સના જથ્થા અને નશાના વધતા દૂષણને સંપૂર્ણપણે ડામી દેવા માટે રાજ્ય સરકારે હવે આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું છે. ગાંધીનગર ગૃહ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, કમિશનરો અને વિવિધ સુરક્ષા એજન્સીઓને 'રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન' ચલાવવા માટે હાઈ-લેવલ આદેશ જાહેર કરવામાં આવ્યા છે. સરકારના આ કડક વલણથી ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તમામ એજન્સીઓ સંયુક્ત રીતે એક્શન મોડમાં આવશે
ગૃહ વિભાગના સત્તાવાર આદેશ અનુસાર, આ અભિયાન માત્ર કાગળ પર નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર અત્યંત આક્રમક રીતે ચલાવવામાં આવશે. આ મેગા ડ્રાઈવ અંતર્ગત સ્થાનિક પોલીસ અને એન્ટી નાર્કોટિક્સ સેલ સક્રિય ભૂમિકા ભજવશે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને પણ આ અભિયાનમાં સાંકળી લેવામાં આવી છે. રાજ્યના સરહદી વિસ્તારો, દરિયાકાંઠા વિસ્તાર અને હાઈવે પર બાજ નજર રાખવામાં આવશે.
શિક્ષણ સંસ્થાઓ અને પાનના ગલ્લાઓ પર થશે સઘન ચેકિંગ
આ અભિયાનનો મુખ્ય હેતુ રાજ્યના યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવાનો છે. આ માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે, શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓની આસપાસ શંકાસ્પદ રીતે ફરતા તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત, શહેરોના મુખ્ય વિસ્તારોમાં આવેલા પાન-મસાલાના ગલ્લાઓ અને કાફેઝ પર પણ ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવશે, જ્યાં ડ્રગ્સ પેડલર્સ સક્રિય હોવાની આશંકા રહેલી છે.
ડ્રગ્સના ઓરિજિનલ સોર્સ સુધી પહોંચવા આદેશ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉચ્ચ સ્તરેથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, માત્ર નાના પેડલર્સ કે નશો કરનારાઓને પકડીને સંતોષ માનવાનો નથી, પરંતુ આ ડ્રગ્સ નેટવર્કના મુખ્ય સૂત્રધારો અને ઓરિજિનલ સોર્સ સુધી પહોંચવાનું રહેશે. ડ્રગ્સના વેચાણ અને હેરાફેરીમાં પકડાતા ગુનેગારો સામે કાયદાની કડકમાં કડક જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી તેમની મિલકતો ટાંચમાં લેવા સુધીની કાયદેસરની કાર્યવાહી કરવાના પણ સંકેત આપવામાં આવ્યા છે.
નાગરિકોને પણ સહયોગ આપવા અપીલ
સરકાર દ્વારા શરૂ કરવામાં આવનારા આ રાજ્યવ્યાપી અભિયાનને સફળ બનાવવા માટે ગૃહ વિભાગે સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી છે. જો કોઈ પણ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કે શંકાસ્પદ પ્રવૃત્તિ થતી જોવા મળે, તો તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવાયું છે, અને માહિતી આપનાર નાગરિકનું નામ ગુપ્ત રાખવામાં આવશે, તેવી ખાતરી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો - Patan News: કોર્ટ કાર્યવાહી બાદ પરત ફરતા કિંજલ રબારીના પૂર્વ પતિ અશોક ચૌધરી પર હુમલો, 4 લોકો સામે ફરિયાદ