સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે.સાબર ડેરી પાસે ગઈ કાલે બંને જિલ્લાના પશુપાલકોએ ભાવ ફેર મુદ્દે સુત્રોચ્ચાર કરતાં વાતાવરણ તંગ બન્યું હતું.ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના 50 સેલ છોડ્યા હતાં.આ ઘટનામાં ત્રણથી વધુ પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી.પોલીસે 60 પશુપાલકોની અટકાયત કરી હતી.બીજી તરફ પોલીસે 74 આગેવાનો અને એક હજારના ટોળા સામે ફરિયાદ નોંધી છે. આ મામલે સાબર ડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગરથી તેડું આવ્યું છે.


[[$googlead]]

ચેરમેન અને એમડી પાસે ખુલાસો માંગ્યો

છેલ્લા બે દિવસથી સાબરકાંઠાની સાબર ડેરીમાં પશુપાલકો ભાર ફેર મુદ્દે આંદોલન કરી રહ્યાં છે. ગઈકાલે આ આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું હતું. પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના 50 સેલ છોડ્યા હતાં. સમગ્ર આંદોલનમાં ઈડરના એક પશુપાલકનું મોત થતાં પશુપાલકોમાં રોષ વધી રહ્યો છે. ત્યારે હવે સરકાર જાગી છે અને સાબર ડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગર બોલાવીને સમગ્ર બાબતે ખુલાસો માંગવામાં આવ્યો છે.

[[$alsoread]]

સહકાર મંત્રીએ ખુલાસો માંગ્યો

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ચેરમેન તથા એમડી પાસે ઘટનાની ગંભીરતા જોતા સાબરડેરીમાં થયેલા વિવાદ અને પશુપાલકોના આક્રોશ મામલે ચેરમેન અને એમડી પાસે ખુલાસો માંગ્યો છે. બીજી તરફ સાબર ડેરીમાં તપાસ માટે એફએસએલની ટીમ પહોંચી છે. ડેરીમાં થયેલા નુકસાન મામલે એફએસએલ દ્વારા તપાસ કરાશે. પોલીસે ગઈ કાલે ટીયર ગેસના 50 સેલ છોડ્યા હતાં. એફએસએલની ટીમ હવે દસ્તાવેજની નોંધણી પણ કરશે.

આ ઘટનામાં પોલીસે ગુનો દાખલ કર્યો

આ ઘટનામાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. પશુપાલકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં 74 આગેવાન સહિત 1 હજારના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પોલીસે પોલીસ પર હુમલો અને નુકસાન કરવા સહિત ષડયંત્ર રચીને હુમલો કરવા અંગે ગુનો દાખલ કર્યો છે. સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ, રણજિતસિંહ સોલંકી અને કશ્યપ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસકર્મીને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ પણ લગાવાયો છે. પીઆઇ ચૌધરીએ ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.


  • Follow us on: