ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ત્રણ યુવાનો અને એક મહિલા સહિત કુલ ચાર લોકોનું વિદેશમાં અપહરણ કરવામાં આવ્યું હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. અપહરણ કરાયેલા લોકોમાં અજય, પ્રિયા, અનિલ અને નિખિલ ચૌધરીનો સમાવેશ થાય છે. આ ચારેય વ્યક્તિઓ 19 ઓક્ટોબરના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા.


માણસાના 4 લોકો વિદેશમાં ફસાયા

પરંતુ તેમનો પ્રવાસ ઓસ્ટ્રેલિયા સુધી પહોંચવાને બદલે એક ષડયંત્રમાં ફેરવાઈ ગયો હતો. તેમને અમદાવાદથી પ્રથમ દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને દિલ્હીથી બેંગકોક, દુબઈ અને તહેરાન એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. તહેરાન એરપોર્ટથી તેમને ટેક્સીમાં લઈ જઈને અપહરણ કરી લેવામાં આવ્યું હતું.માણસાના આ 3 યુવાનો અને મહિલાનું અપહરણ કરનારા ગેંગ દ્વારા હવે તેમના પરિવારો પાસેથી કરોડો રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી છે. આ ગંભીર ઘટનાથી ચારેયના પરિવારો ભય અને ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.

બાપુપુરાના 3 યુવાન, 1 મહિલાનું અપહરણ કરાયું

પોતાના સ્વજનોને સુરક્ષિત છોડાવવા માટે પરિવારોએ તાત્કાલિક સરકાર પાસે મદદ માંગી છે. પરિવારે સ્થાનિક ધારાસભ્ય જે.એસ. પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને ચારેય અપહ્યત વ્યક્તિઓને સુરક્ષિત પરત લાવવા માટે વિનંતી કરી છે. ધારાસભ્ય જે.એસ. પટેલે પણ આ ગંભીર બાબતની નોંધ લઈને સરકારને પત્ર લખીને ઝડપી પગલાં લેવા વિનંતી કરી છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના અપહરણના કેસમાં વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે, જેથી માણસાના આ ચાર વ્યક્તિઓનો જીવ બચાવી શકાય.

  • Follow us on: