આગામી 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે આદિજાતિ જિલ્લાઓની કુલ 54 વિધાનસભા બેઠકો તેમજ 27 આદિજાતિ અનામત બેઠકો પર વિશેષ કાર્યક્રમો યોજાશે. ખાસ કરીને છોટાઉદેપુર અને વલસાડ ખાતે જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ ઉપસ્થિત રહીને આદિવાસી સમાજનો ઉત્સાહ વધારશે.

2300 કરોડથી વધુના વિકાસકામોની ભેટ અને બિરસા મુંડાની પ્રતિમાનું સ્થાપન

આદિવાસી વિસ્તારોની કાયાપલટ કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા 2300 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવશે. આ ઉપરાંત, આદિવાસી સમાજના આરાધ્ય એવા ભગવાન બિરસા મુંડાના ગૌરવવંતા ઇતિહાસને જીવંત રાખવા માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે-જે જિલ્લાઓમાં હાલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા નથી, ત્યાં સરકાર દ્વારા તેમની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.

ખેડૂત સનદ વિવાદ અને મનસુખ વસાવાની નારાજગી પર મંત્રી નરેશ પટેલની સ્પષ્ટતા

આદિવાસી જિલ્લાઓમાં ખેડૂતોને જમીનની સનદ આપવા મામલે સાંસદ મનસુખ વસાવાની નારાજગીના અહેવાલો વચ્ચે રાજ્યના મંત્રી નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં જે ગામોની સનદ માટે લડત ચાલતી હતી તે એક પણ ગામ બાકી રહેતું નથી. સરકાર દ્વારા તે તમામ વિસ્તાર અને ગામોમાં પણ નિયમોનુસાર સનદ આપવામાં આવશે, જેથી કોઈ પણ સાચા હકદાર ખેડૂતને અન્યાય ન થાય.

Birsa Munda Jayanti 2026: Gujarat Govt Announces 2300 Crore Tribal Projects; Minister Naresh Patel Clarifies on Sanad Issue

નર્મદામાં 450 લાભાર્થીઓની સનદ તૈયાર, 3 વિભાગોનું સંયુક્ત અભિયાન

મંત્રી નરેશ પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું કે, સનદ આપવાની આ કામગીરી એક અવિરત ચાલતી પ્રક્રિયા છે. હાલમાં નર્મદા જિલ્લામાં 450 લોકોની સનદ તૈયાર થઈ ચૂકી છે, અને આ તમામ 450 લાભાર્થીઓને સનદ એનાયત કરવામાં આવશે. આ પ્રક્રિયામાં માત્ર આદિજાતિ વિભાગ જ નહીં, પરંતુ ફોરેસ્ટ વિભાગ, રેવન્યુ વિભાગ તથા ગીર ફાઉન્ડેશન સંયુક્ત રીતે ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે. ચકાસણી બાદ જેટલા પણ સાચા હકદારો હશે, તે તમામ લોકોને સનદ આપવાની ખાતરી તેમણે ઉચ્ચારી હતી.

કુપોષણ નાબૂદી, આરોગ્ય અને શિક્ષણ થકી આદિવાસી સમાજની હરણફાળ

આદિવાસી વિસ્તારોમાં આવેલા બદલાવ અંગે વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, આદિજાતિ વિસ્તારોમાં પહેલા શું પરિસ્થિતિ હતી અને અત્યારે શું વિકાસ થયો છે તે અમને સારી રીતે ખબર છે. સરકાર દ્વારા સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે, અને આદિવાસી સમાજમાંથી કુપોષણ દૂર કરવા માટે પાયાના સ્તરે નક્કર કામગીરી થઈ છે. આજે આદિવાસી સમાજ પાપા પગલી ભરીને ઘણો આગળ વધ્યો છે, સમાજ શિક્ષિત બન્યો છે, અને વિકાસની મુખ્યધારામાં કદમ મિલાવીને સતત પ્રગતિ કરી રહ્યો છે.


આ પણ વાંચો: Gold-Silver Price Today: અમદાવાદમાં સોના-ચાંદીના નવા ભાવ જાહેર, 10 ગ્રામ સોનું કેટલામાં મળે છે?