અમદાવાદ શહેરમાં વાયરલ ઈન્ફેક્શનના કેસો વચ્ચે H1N1 (સ્વાઈન ફ્લૂ) વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયો છે.શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા બે દર્દીઓના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમના રિપોર્ટ H1N1 પોઝિટિવ આવ્યા છે. સોલા સિવિલમાં સ્વાઈન ફ્લૂના કેસ નોંધાતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તુરંત જ એક્શન મોડમાં આવી ગયો છે.વાયરસના સંક્રમણને વકરતું અટકાવવા અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ, જરૂરી દવાઓ અને ઓક્સિજન સહિતની પૂરતી વ્યવસ્થાઓ સુસજ્જ કરી દેવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા સફળ નિયંત્રણ તેમજ સીઝનલ ફ્લૂ (H1N1) સામેની આગોતરી સજ્જતાની સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ બેઠકમાં રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો,મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાઓના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
