રાજ્યની સરકારી સ્કૂલોમાં જઈ રાજકીય રોટલા શેકતાં બિન-અધિકૃત એટલે કે વાલી સિવાયના વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ સહિતની શિક્ષાત્મક કાર્યવાહી થશે. પ્રિન્સિપાલની પૂર્વ લેખિત મંજૂરી વિના સ્કૂલમાં પ્રવેશતા વાલી સિવાયના બિન-અધિકૃત લોકો પર રોક લગાવતો શિસ્તબદ્ધ નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી સરકારી સ્કૂલોની પોલ ખોલવી વિપક્ષો માટે મુશ્કેલ બની જશે. બીજી તરફ બોર્ડ પરીક્ષા સહિતના મુદ્દે કોઈપણ રાજકીય પક્ષના નેતાઓ ફોટો પડાવી સસ્તી પબ્લિસિટી મેળવી નહીં શકે.નિયમભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023, પોક્સો એક્ટ 2012 અને આઈટી એક્ટ 2000 હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

મુલાકાતી રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધવાની રહેશે

રાજ્યની સરકારી સ્કૂલોને છેલ્લા ઘણા સમયથી રાજકીય પાર્ટીઓએ પબ્લિસિટી મેળવવાનો હાથો બનાવી દીધી હતી.ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન પણ કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વિના વાલી સિવાયના લોકો ઘૂસી જતા હોવાની અવારનવાર ફરિયાદો ઊઠતી હતી.જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા એક કડક અને શિસ્તબદ્ધ પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.આ પરિપત્ર મુજબ,કોઈપણ બાહ્ય વ્યક્તિએ શાળા પરિસરમાં પ્રવેશવા માટે પ્રિન્સિપાલની પૂર્વ લેખિત મંજૂરી લેવાની રહેશે. દરેક મુલાકાતીએ શાળા પરિસરમાં પ્રવેશ કરતાં પહેલાં મુલાકાતી રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધવાની રહેશે.પરવાનગી વગર પ્રવેશ કરનાર કે કામગીરીમાં અવરોધ ઊભો કરનાર સામે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને શિક્ષણ અધિકારીઓને જાણ કરવામાં આવશે.

ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ

શાળાના આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા શાળાની પ્રવૃત્તિઓનું ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઇન્ટરવ્યૂ, ઓડિયો રેકોર્ડિંગ અથવા લાઈવ સ્ટ્રીમિંગ કરી શકાશે નહીં. આવી પ્રવૃત્તિ માત્ર કાયદેસર હેતુસર જ મંજૂર કરી શકાશે. આચાર્ય મુલાકાતીને પરિસર છોડવાનો આદેશ આપી શકશે. શાળાની સુરક્ષા, ગોપનીયતા, શિસ્ત અથવા શૈક્ષણિક વાતાવરણ પર અસર થવાની શક્યતા હોય એવા સંજોગોમાં આચાર્ય કોઈપણ મુલાકાતીને શાળા પરિસરમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકશે. જો કોઈ વ્યક્તિ શાળા પરિસર છોડવાનો ઇનકાર કરે, અનધિકૃત ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી કરવાનો પ્રયાસ કરે અથવા શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરે, તો આચાર્યએ તાત્કાલિક પોલીસ અથવા શિક્ષણના અધિકારીઓને જાણ કરી લાગુ પડતાં કાયદા હેઠળ કાર્યવાહી કરવાની રહેશે.

શાળાઓ વિદ્યાર્થીઓની વ્યક્તિગત વિગતો જાહેર કરી નહીં શકે

આ પરિપત્રમાં સ્કૂલોને પણ તાકીદ કરવામાં આવી છે કે,વિદ્યાર્થીઓની વ્યક્તિગત વિગતો જાહેર કરવી નહીં. પરિપત્રમાં જણાવ્યું છે કે, શાળા સત્તાધિકારીઓએ એ સુનિશ્ચિત કરવું કે વિદ્યાર્થીઓના ફોટો,વીડિયો અથવા વ્યક્તિગત માહિતીનો એવો સંગ્રહ, પ્રકાશન અથવા પ્રસાર ન થાય, જેના કારણે તેમની ગોપનીયતા, ગૌરવ અથવા સુરક્ષાને અસર પહોંચે.સરકારના અધિકૃત અધિકારી સાથે પણ પૂર્વ મંજૂરી વિના કોઈ બાહ્ય વ્યક્તિ જઈ શકશે નહીં. પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, કોઈપણ બાહ્ય વ્યક્તિએ વર્ગખંડ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતનું મેદાન, શૌચાલય અથવા વિદ્યાર્થીઓની કોઈપણ પ્રવૃત્તિ ચાલતી હોય તેવા વિસ્તારમાં આચાર્ય, શાળાના શિક્ષક અથવા અધિકૃત શાળા અધિકારીની સાથે પૂર્વ લેખિત મંજૂરીથી જ પ્રવેશ કરવાનો રહેશે.

આ પણ વાંચોઃ Gandhinagar News: તલાટી અને નાયબ મામલતદારોની દિવાળી બગડશે, ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની તૈયારી શરૂ