વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સવારે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ નટરાજન, અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર અને ગિફ્ટ સિટીના એમ.ડી. સંજય કૌલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ સ્પોર્ટ્સ એરેના, ઇવેન્ટ ગ્રાઉન્ડ અને સેન્ટ્રલ પાર્ક ખાતે ચાલી રહેલી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

વૈશ્વિક નાણાકીય સહયોગ અને રોકાણ પર વિશેષ ધ્યાન 

વાયબ્રન્ટ સમિટ-2027 અંતર્ગત ગિફ્ટ સિટીમાં 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન વિવિધ ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમોમાં વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, ઉદ્યોગ અગ્રણીઓ અને ભારતીય ડાયસ્પોરાના પ્રતિનિધિઓ એક મંચ પર એકત્રિત થશે. સમિટ દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાકીય સહયોગ, વૈશ્વિક મૂડી પ્રવાહ, ઉભરતી ફિનટેક તકનીકો, નાણાકીય સેવાઓના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) અને નવી ઔદ્યોગિક ભાગીદારી પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જે રાજ્યમાં નવા રોકાણો આકર્ષવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

વિઝન-2030 રોડમેપ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિ 

સમીક્ષા બેઠકમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ ઉપરાંત વર્ષ 2030 માટે ગિફ્ટ સિટીના વ્યાપક વિકાસ રોડમેપ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાણાકીય અને વ્યવસાયિક ઇકોસિસ્ટમના સ્ટ્રેટેજિક વિસ્તરણ પર ચર્ચા થઈ હતી. વધુમાં, ગિફ્ટ સિટીમાં રોજગાર અને રહેણાક માટે વસી રહેલા નાગરિકોની સુવિધા માટે નિર્માણાધીન હોસ્પિટલ, શોપિંગ મોલ સહિતની વર્લ્ડક્લાસ ભૌતિક અને સામાજિક માળખાગત સુવિધાઓની પ્રગતિ અંગે મુખ્યમંત્રીએ ઝીણવટભરી માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો