સુરત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં એક એવા ગણેશજી છે જેમની અદ્ભુત પ્રતિમા અને ભવ્ય શણગાર સૌનું ધ્યાન ખેંચે છે. આ ગણેશજી સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલી દાળિયા શેરીમાં બિરાજમાન છે. તેમને 'ગુજરાતના સૌથી ધનિક ગણેશજી' તરીકે ઓળખવામાં આવે છે.
6 ફૂટ લાંબો 1 કિલો સોના-ચાંદીનો હાર પહેરાવવામાં આવ્યો
આ વર્ષે પણ ગણેશજીનું આગમન લાખો રૂપિયાના 25 કિલો સોના-ચાંદીના ઘરેણાં અને ડાયમંડના શણગાર સાથે થયું છે. જે 10 દિવસ સુધી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વર્ષે ગણેશજીને ભક્તો દ્વારા અર્પણ કરાયેલો 6 ફૂટ લાંબો 1 કિલો સોના-ચાંદીનો હાર પહેરાવવામાં આવ્યો છે. ગુજરાતના સૌથી ધનિક ગણેશજી સુરતના દાળિયા શેરીના ગણેશજીને 25 કિલો સોના-ચાંદીના આભૂષણનો શણગાર અને દાગીનામાં 2 લાખના ડાયમંડ જડાયા છે. જેમાં ગણપતિજીની પ્રતિમાનું મુગટ 2 કિલો સોના અને ચાંદીથી બનેલો છે . જેની કિંમત અંદાજે 5 લાખ છે.
1 કિલો ચાંદીની સુંઢ જેના પર ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવ્યું
કદમ્બ-કમળ 1.5 કિલો સોના-ચાંદીનું કમળ જેની કિંમત રૂપિયા 2.25 લાખ છે. બાજુબંધ 4 હાથમાં 1 કિલો સોના ચાંદીના બાજુબંધ છે, જેની કિંમત રૂપિયા 2.50 લાખ છે. કમરબંધ 750 ગ્રામનો ચાંદીનો છે. જેની કિંમત રૂપિયા 1.50 લાખ છે. 7 કિલો ચાંદીના મૂષકરાજ છે, જેની કિંમત 6.50 લાખ છે તથા ગણપતિ પ્રતિમાને ઘરેણાંમાં 1.50 લાખ ડાયમંડથી તૈયાર કરવામાં આવ્યા છે, જેની કિંમત રૂપિયા 2 લાખ છે. 4 હાથના કવર 4 કિલો સોના અને ચાંદીના છે જેની કિંમત રૂપિયા 10 લાખ છે. 1 કિલો ચાંદીની સુંઢ જેના પર ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવ્યું છે. બાપાનું વજ્ર કુહાડી 1.5 કિલો સોના-ચાંદીનું છે. જેની કિંમત રૂપિયા 2.25 લાખ છે. પગના કવર સોના અને ચાંદીના 1.5 કિલોના છે . જેની કિંમત રૂપિયા 3.25 લાખના છે.
30 વર્ષથી અલગ અલગ થીમ પર ગણેશજીની કરવામાં આવે છે સ્થાપના
આ રીતે ગુજરાતના સૌથી ધનિક ગણેશજી સુરતના દાળિયા શેરીમાં વિરાજમાન છે. અહીં બાપાના દર્શન કરવા ભક્તો દૂરથી આવે છે, જેમાં એક ભક્ત છેલ્લા 10 વર્ષથી કીમથી ગણેશ ઉત્સવ દરમિયાન એક દિવસ ફાળવી પરિવાર સાથે સુરતના ગણેશ પંડાલમાં દર્શન માટે આવે છે. અહીં ભગવાનના દર્શન કરવાથી લોકોની ઈચ્છાપૂર્તિ પણ થાય છે એક ભક્તનું ઈચ્છા પૂરતી થઈ હતી, ત્યારે તેમના દ્વારા ભગવાનને ચાંદીનું 7 કિલોના મૂષક રાજ અર્પણ કર્યા હતા. આયોજક દ્વારા જણાવવામાં આવ્યું કે, અહીં છેલ્લા 30 વર્ષથી અમે અલગ અલગ થીમ ઉપર ગણપતિજીનું સ્થાપના કરીએ છીએ, જેમાં છેલ્લા દસ વર્ષથી સોના, ચાંદી, ડાયમંડના હીરા જડિતથી મૂર્તિ તૈયાર કરીએ છીએ. જે અહીં આવનારા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.









