ગીર સોમનાથ જિલ્લાના આદ્રીથી મૂળદ્વારકા સુધી 40 કિમીની કેનાલનું કામ શરૂ થાય એ પહેલાં જ વિરોધ સ્થાનિકોએ શરૂ કરી દીધો છે, 101 કરોડથી વધુના ખર્ચે નિર્માણધીન કેનાલ બનવાના કારણે જે ફાયદો મળે તેના કરતા વધુ નુકસાન થાય તેવો ખેડૂતોનો આક્ષેપ છે, ફળદ્રુપ જમીનો સંપાદનમાં આવે છે ખેડૂતોએ કહ્યું, કોસ્ટલ વિસ્તારમાંથી પાઈપલાઈન પસાર કરવી જોઈએ તેને લઈ વિવાદ વકર્યો છે.


[[$googlead]]

જિલ્લાના આદ્રિથી મૂળ દ્વારકા સુધી બનશે કેનાલ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના આદ્રીથી કોડીનારના મૂળદ્વારકા સુધી આકાર પામવા જઈ રહેલી કેનાલનું કામ શરૂ થાય તે પહેલાં જ પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. આશરે 40 કિમી જેટલી લંબાઈ ધરાવતી કેનાલ સરકાર દ્વારા મજૂર કરાયા બાદ જમીન સંપાદનની કામગીરી હાથ ધરવાની હતી જો કે કેનાલને લઈને તમામ ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્યો હતો અને વિરોધ થઈ રહ્યો છે જેને લઈને કામગીરી અટકી પડી છે. ખેડૂતો નો આક્રોશ છે કે, સરકાર દ્વારા 100 કરોડથી વધુના ખર્ચે કેનાલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેમાં ફળદ્રુપ જમીન આવરી લેવામાં આવી છે. તેના બદલે દરિયાઈ જમીનનો સમાવેશ કરવો જોઈએ. જેથી ખેડૂતોને પણ નુકસાન ન થાય અને સિંચાઈના પાણીની પણ અનુકૂળતા રહેશે.

[[$alsoread]]

આદ્રીથી મુળદ્વારકા સુધી કેનાલ માટે 5 પથ રેખા નક્કી કરવામાં આવી હતી

કેનાલના માર્ગમાં જે ફળદ્રુપ જમીનો આવે છે તે સંપાદન કરવામાં આવે તો ખેડૂતોને નુકસાન થશે. પાઇપ લાઈન નાખવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. કેનાલથી ફાયદો તો થાય છે પરંતુ ફળદ્રુપ જમીન જવાથી ખેડૂતોને નુકસાન થાય છે. વેરાવળ અને સુત્રાપાડામાં પણ જે જમીનો જાય છે તે કિંમતી છે. તેના કરતાં પાઇપ મૂકીને પાણી પહોંચાડવું જોઈએ. ઈજનેર ક્ષાર અંકુશ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર આર. કે. સામાણીએ જણાવ્યું હતું કે, આદ્રીથી મુળદ્વારકા સુધી કેનાલ માટે 5 પથ રેખા નક્કી કરવામાં આવી હતી. જેમાં આદ્રીથી દેવકા નદી,દેવકાથી સોમનાથ ભરતી નિયંત્રણ યોજના,સોમનાથ ભરતી નિયંત્રણ યોજનાથી વડોદરા ઝાલા,વડોદરા ઝાલાની બરડા અને બરડાથી મૂળદ્વારકા આમ તમામની સૌધાંતિક મંજૂરી 2021માં મૂકવામાં આવી હતી.જેની 101 કરોડની મંજૂરી પણ મળી હતી.

આ કેનાલને અન્યત્ર ખસેડવામાં આવે તેવી માગ ખેડૂતોએ કરી

સમગ્ર કામગીરી માટે 156.24 કરોડના ખર્ચનું અંદાજપત્ર પણ વર્ષ 2024 માં સાદર કરવામાં આવેલ છે. ત્યારે ખેડૂતોમાં આ વાત ફેલાતા જે જમીન સંપાદન કરવાની થાય છે તે અંગે અમારા વિભાગ સહિત વિવિધ જગ્યાઓએ કીમતી જમીન સંપાદન ન કરવા અને તેને બદલે વૈકલ્પિક રસ્તો કાઢવા રજૂઆતો કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે ખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદિત થતી હોય વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે જેથી આ કેનાલને અન્યત્ર ખસેડવામાં આવે તેવી માગ પણ ઘણા સમયથી કરવામાં આવી રહી છે જેથી ખેડૂતોની કિંમતી જમીન પણ બચી શકે અને કેનાલનો પણ લાભ મળી શકે તેમ છે.


  • Follow us on: