ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા ફરી એકવાર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ આ કવાયત હાથ ધરાઈ હતી, જેમાં GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ) માટે ફાળવવામાં આવેલી 5000 ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી.


પ્રભાસ પાટણમાં મેગા ડિમોલિશન

આ ડિમોલિશન કાર્યવાહી સોમનાથ પ્રભાસ પાટણના સર્વે નંબર 831 પૈકી 1 ની સરકારી જમીન પર કરવામાં આવી હતી. આ જમીન GSRTCને વધારાના ઉપયોગ માટે ફાળવવામાં આવી હતી, પરંતુ તેના પર કેટલાક માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું હતું. વેરાવળ મામલતદારની ટીમ દ્વારા આ મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ ૧૨ જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કવાયત કરવામાં આવી હતી. આ દબાણોમાં 11 જેટલા રહેણાંક અને વાણિજ્યિક હેતુના દબાણો તેમજ એક ધાર્મિક દબાણનો પણ સમાવેશ થતો હતો. તંત્રે કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામ પ્રકારના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડ્યા હતા.

પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન કામગીરી

દબાણકર્તાઓ તરફથી કોઈ વિરોધ કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ સુરક્ષાની હાજરીમાં તંત્રએ કાર્યવાહીને સફળતાપૂર્વક પાર પાડી હતી. આ મેગા ડિમોલિશન કામગીરીમાં તંત્ર દ્વારા 7 જેસીબી મશીનો, 10 ટ્રેક્ટર સહિતની આધુનિક મશીનરી કામે લગાડવામાં આવી હતી. તંત્રએ સરકારી જમીનોને ગેરકાયદેસર દબાણમુક્ત કરવાની ઝુંબેશ ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. આ કાર્યવાહીથી સરકારી જમીન પર દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

  • Follow us on: