ગીર સોમનાથ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તેમજ સલામતીને ધ્યાનમાં લઈ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આઈ.ટી.આઈ.માં આવતીકાલે તા. 21 ઓગસ્ટ 2025 ગુરુવારના રોજ તંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે.


21 ઓગસ્ટે શાળા, કોલેજ, ITI રહેશે બંધ

જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા આ આદેશ મુજબ અતિભારે વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાઈ જવા અને વાહનવ્યવહારમાં મુશ્કેલી થવાની શક્યતા છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓને શાળા કે કોલેજ સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય

આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી રાહત મળી છે. હાલમાં જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે શાળા-કોલેજ જવું જોખમી બની શકે છે. ઉલ્લેખનીય છે કે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ જરૂર પડે તો વહીવટી તંત્ર દ્વારા આવા નિર્ણયો લેવામાં આવી શકે છે.


  • Follow us on: