પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ભારે હોબાળો થયો હતો. એક યુવકે કરેલી પોસ્ટને પગલે ગોધરાના પશ્ચિમ વિસ્તારમાંથી લોકોનું એક મોટું ટોળું ગોધરા બી ડિવિઝન પોલીસ મથક પર ઘસી આવ્યું હતું અને ભારે ધમાલ મચાવી હતી. પોલીસે તપાસ અર્થે એક યુવકની અટકાયત કરી હતી.

બી ડિવિઝન પોલીસ મથકે ટોળાએ મચાવ્યો હોબાળો

પોલીસ મથકે પહોંચ્યા બાદ આ યુવકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે પોલીસ પર માર મારવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. જેના પરિણામે યુવકના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા. લોકોના ટોળાએ પોલીસ સ્ટેશન બહાર ભારે સૂત્રોચ્ચાર અને હોબાળો મચાવતા પરિસ્થિતિ તંગ બની હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો અને પ્રાથમિક માહિતી મુજબ ટિયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા.

પોલીસના સતત પ્રયાસો બાદ મામલો થાળે પડ્યો

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જેમાં આઇજી, એસપી અને ડીવાયએસપીનો સમાવેશ થાય છે તે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસના સતત પ્રયાસો બાદ મામલો થાળે પડ્યો હતો. પોલીસે હોબાળો મચાવનાર લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.