ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતની પડતર અને ગૌચર જમીનમાંથી ગેરકાયદે હજારો ટન માટી ખનન કરવાના પ્રકરણમાં આખરે ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થાનિકોને સાથે રાખી આજે સ્થળ પર પંચનામુ કરી માપણી કરાઈ હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા કરાયેલી માપણીના આધારે આગામી દિવસોમાં ખનન કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે એમ જાણવા મળી રહ્યું છે.
નદીસર ગ્રામ પંચાયતની સરકારી પડતર અને ગૌચર જમીન, ઉપરાંત નર્મદા નિગમને ફળવાયેલી જમીન મળી આશરે 25 જેટલા સરવે નંબરમાંથી મોરમ જેવી માટીનું છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ભૂમાફ્યિાઓ દ્વારા ખનન કરી તેમાંથી માટીનું ગ્રેડિંગ કરી રેતી બનાવવાનું કારસ્તાન કરવામાં આવતું હતું. જે અંગે વારંવાર સ્થાનિકોએ સંલગ્ન જવાબદારોને રજૂઆત કરતાં કથિત ભૂમાફીયાઓ દ્વારા સ્થાનિકોને ધમકી પણ આપવામાં આવતી હતી. જો કે આ બાબતે સ્થાનિકોએ જિલ્લા કલેકટર સહિત સંલગ્ન વિભાગોને રજૂઆત કર્યા બાદ ખાણ ખનીજ વિભાગે માટી ખનન કરતાં તત્વો સામે કામગીરી કરી હતી, પરંતુ જેના ગણતરીના કલાકોમાં જ તમામ પ્રવૃત્તિ પુનઃ શરૂ થઈ જતાં આખરે ગ્રામ પંચાયતના સત્તાધીશોએ બે દિવસ અગાઉ સ્થળ ઉપર જઇ માટી ખનન પ્રવૃત્તિ અટકાવી હતી. આખરે જે સ્થળે માટી ખનન થયું છે, તે જગ્યાએ માપણી કરી કાર્યવાહી કરવામાં આશ્વાસન આપવામાં આવતાં ગ્રામજનો રોષ અંશતઃ શમ્યો છે. જિલ્લા ખાણ ખનીજ અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે, જોગવાઈ મુજબ માપણી કરાઈ છે અને આગામી દિવસોમાં કાર્યવાહી કરાશે, ઉપરાંત કલેક્ટરને રિપોર્ટ રજૂ કરાશે.










