ગોધરા તાલુકાના ભામૈયા નજીક આણંદ રેલવે લાઇન ઉપર રેલવે વિભાગ દ્વારા રેલ દુર્ઘટનામાં સર્જાતિ સ્થિતિ અને તેને પહોંચી વળવાની સજ્જતા ચકાસવા માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી, ઘટના સ્થળે બે ડબ્બાને એક પર એક ચઢી ગયેલી સ્થિતિમાં જોતાં ત્યાંથી પસાર થતાં લોકોમાં ઉત્તેજના ફેલાઈ હતી, પરંતુ બાદમાં આ મોકડ્રીલ હોવાની જાણ થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
ભામૈયા નજીક આણંદ રેલવે લાઇન ઉપર રેલવે દુર્ઘટના અંગેની સતર્કતાના ભાગરૂપે મોકડ્રિલ યોજવામાં આવી હતી. દરમિયાન પેસેન્જર ટ્રેનના આઇસીએફ કોચ ટકરાઈ એકબીજા પર ચઢી ગયા હોવાની ઘટના પ્રસ્થાપિત કરવામાં આવી હતી. આ મોકડ્રિલનું આયોજન પશ્ચિમ રેલવે વડોદરા મંડળ અને NDRF બટાલિયન-6 દ્વારા કરવામાં આવ્યું હતું. આ વેળાએ દુર્ઘટના બચાવ અને ચિકિત્સા યાને તાત્કાલિક સ્થળે પહોંચી કોચમાં ફ્સાયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્ત પેસેન્જરોને તાત્કાલિક સારવાર આપવા પ્રાયોગિક વ્યવસ્થા ઉભી કરી હતી. રેલવે અધિકારીઓએ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. જોકે આ રેલવે અકસ્માત અંગે ચર્ચાનો મુદ્દો બનેલી ઘટના મોકડ્રિલ હોવાનું જાહેર કરવામાં આવતાં સૌએ હાશકારો અનુભવવા સાથે ચર્ચાનો અંત આવ્યો હતો.
