ગોધરા શહેરના બામરોલી રોડ સ્થિત વૃંદાવન નગર-2માં રહેણાંક મકાનમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગવાની ગોઝારી ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નિપજ્યા હતાં. પ્રાથમિક જાણકારી મુજબ મકાનમાં એ.સી.માં શોર્ટસર્કિટના કારણે લાગેલી આગના કારણે વુડન ફ્ર્નિચર સળગતા આગ વધુ પ્રસરી હતી. બંધ મકાનમાં ભારે માત્રામાં ધુમાડો થતાં સમગ્ર મકાનમાં ઝેરી વાયુ ફેલાઈ જતાં ઓકિસજનનું પ્રમાણ ઘટી જતાં અને મકાનના બારી - દરવાજા સંપૂર્ણ બંધ હોવાથી મકાનમાં રહેલા માતા - પિતા અને બંને પુત્રોના શ્વાસ રૂંધાઈ જવાથી ગૂંગળામણના કારણે મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વૃંદાવન નગર-2 સોસાયટીમાં રહેતાં અને દોશી જ્વેલર્સની દુકાન ધરાવતાં કમલભાઈ દોશી, તેમના પત્ની દેવલબેન, પુત્ર દેવ અને રાજ ગઈકાલે રાત્રે જમી પરવારીને મકાનના બારી - દરવાજા બંધ કરી એસી ચાલુ કરી ઊંઘી ગયા હતાં. તેમના મોટા પુત્ર દેવની સગાઈ માટે આજે શુક્રવારે વાપી જવાનું હોઈ તે માટે ટેક્સી ભાડે કરી હતી. ટેકસી ડ્રાઈવરે સવારે કમલભાઈને મોબાઈલ કરવા છતાં નો રિપ્લાય આવતાં કમલભાઈના ઘરે જઈને જોતાં મકાનમાંથી ધૂમાડા નીકળતાં હોય કૈક ખોટું થયાની શંકા ગઈ હતી. નજીકમાં રહેતી કમલભાઈની ભત્રીજી કૃપા અને આજુબાજુના રહીશો પણ દોડી આવ્યા હતા અને બુમરાણ મચાવી હતી, પરંતુ અંદરથી કોઈ જ પ્રત્યુત્તર નહિં મળતાં ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ટીમે બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કરી બે પુત્રો અને માતા પિતાને બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. પરંતુ ચારેય કમભાગીઓને તબીબે મૃત જાહેર કર્યા હતા. દરમિયાન બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસનો કાફલો પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મૃતકોનું પેનલ પી.એમ કરાવવા ઉપરાંત એફએસએલની મદદ લઇ અકસ્માત મોત અન્વયે નોંધ કરી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.










