પંચમહાલ જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ટપકતા વરસાદી પાણીને લઈને દર્દીઓની સાથે સાથે મેડિકલ સ્ટાફ મૂંઝવણમાં મુકાયો, સબંધિત વિભાગ પાસે મરામત કામગીરીની માંગ કરાઈ છે.
પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, ગોધરા સિવિલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં રોજબરોજ હજારો દર્દીઓ પોતાની નાનીમોટી સારવાર માટે આવતા હોય છે, હજારો દર્દીઓ ઓપીડી અર્થે આવતા હોય છે, ત્યારે ગોધરાની સિવિલ હોસ્પિટલનો મહત્ત્વનો વોર્ડ ગણાતો ઇમરજન્સી વોર્ડની દયનીય હાલત બની છે, વરસાદ પડતાની સાથે જ ઇમરજન્સી વોર્ડની છતમાંથી પાણી ટપકવા માંડે છે, જેને લઈને સારવાર માટે આવતા દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે, બીજી તરફ ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા મેડિકલ સ્ટાફ્ને દર્દીઓની સારવાર કરવી કે પાણીનો નિકાલ કરવો, તેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે સબંધિત તંત્ર દ્વારા વહેલીતકે આ પરિસ્થિતિનો નિવેડો લાવે તે જરૂરી છે.










