ગોંડલ-ગુંદાસરા રોડ પર આવેલી માધવ પોલીમર્સ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાનો એક મોટો બનાવ સામે આવ્યો છે. આગ એટલી ભીષણ હતી કે તેના પર કાબૂ મેળવવા માટે ત્રણ જુદા-જુદા સ્થળો પરથી ફાયર ફાઈટરની મદદ લેવી પડી હતી.


 રીબડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ

પ્રાથમિક માહિતી અનુસાર, આગ લાગવાની ઘટના વહેલી સવારે બની હતી અને આગના કારણે ફેક્ટરીમાં રહેલો પ્લાસ્ટિકનો જંગી જથ્થો ઝડપથી સળગવા લાગ્યો હતો.આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે રાજકોટ, ગોંડલ અને શાપર માંથી કુલ પાંચ જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ 25 જેટલા ફાયર જવાનો દ્વારા આગને બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.

શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન

પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગને કાબૂમાં લેવા માટે ફાયર ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, ફેક્ટરીમાં થયેલા નુકસાનનો ચોક્કસ આંકડો આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ જ જાણી શકાશે.

  • Follow us on: