મહારાષ્ટ્ર-ગુજરાત વચ્ચે ફરી એક વખત મોટો વિવાદ શરૂ થયો છે. મરાઠી નેતા રાજ ઠાકરેએ સરદાર પટેલ પર કરેલા વિવાદીત નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. જેને લઈને ગુજરાતના નેતાઓ પણ રાજ ઠાકરેના નિવેદનનો સખત વિરોધ કરી રહ્યા છે. ગુજરાત ભાજપના સહપ્રવક્તાએ રાજ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું કે રાજ ઠાકરે કદાચ એ ભૂલી ગયા હશે કે ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા એક જ રાજ્ય હતું. વિદર્ભ તરીકે ઓળખાતા આ રાજ્યમાં ગુજરાતી અને મરાઠી બોલનારા લોકો સાથે રહેતા હતા.
એકપણ બેઠક ન જીતનાર સસ્તી પ્રસિદ્ધિ માટે આવા નિવેદન કરે છે’ : ઋત્વિજ પટેલ
વધુમાં ઋત્વિજ પટેલે કહ્યું કે અહીં પણ ઘણા મરાઠી રહે છે અને મહારાષ્ટ્રમાં ઘણા ગુજરાતી રહે છે, જે વ્યક્તિ લોકસભા કે વિધાનસભામાં કે કોર્પોરેશનમાં એક પણ બેઠક જીતી શક્યો નથી, એ માત્રને માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આવા નિવેદન કરે છે જેનો અમે વિરોધ કરીએ છે. રાજ ઠાકરેએ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું તેને પણ વખોડીએ છે. સસ્તી પ્રસિદ્ધિ માટે આવા નિવેદનનો કોઈ મતલબ રહેતો નથી.
રાજ ઠાકરેના જન્મ પહેલાથી ગુજરાતી ત્યાં રહે છે: ભૂષણ ભટ્ટ
રાજ ઠાકરેના નિવેદનનો ચારેબાજુથી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ નેતા ભૂષણ ભટ્ટે નિવેદન આપતા કહ્યું કે રાજ ઠાકરે ચૂંટણી માટે નિવેદનો કરી રહ્યા છે, રાજ ઠાકરેના જન્મ પહેલાથી ગુજરાતીઓ ત્યાં રહેતા હતા, હાલ પણ રહે છે અને હજી પણ રહેશે. રાજ ઠાકરેએ સરદાર સાહેબનું અપમાન કર્યું છે.
રાજ ઠાકરેની માનસિકતા ગુજરાતી વિરોધી: લાલજી પટેલ
રાજ ઠાકરેના બફાટ પર SPG અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપતા કહ્યું કે રાજ ઠાકરેની માનસિકતા હંમેશા ગુજરાતીઓ વિરુદ્ધ રહી છે, રાજ ઠાકરેને મરાઠીઓ સિવાય કોઈ સમાજના લોકો ગમતા નથી. રાજ ઠાકરે વારંવાર ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે. હવે તેમને સરદાર પટેલને અપમાનિત કર્યા છે, જો તેઓ ગુજરાતમાં આવશે તો તમારો વિરોધ થશે. ગુજરાતમાં હજારો લોકો મહારાષ્ટ્રથી કામ ધંધા માટે આવે છે. અમે એમને માન-સન્માન આપીએ છીએ. ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ મહારાષ્ટ્રના છે, તેમને મુખ્યમંત્રી જેટલું સન્માન ગુજરાતીઓ આપે છે. જો અમે અહીંયા તમામ રાજ્યોના લોકોનું સન્માન કરતા હોઈએ તો તમને શું તકલીફ છે. રાજ ઠાકરેની માનસિકતા અપમાનજનક રહી છે. મહાન પુરુષ એવા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલનું અપમાન કરશો તો આવનારા સમયમાં આ અપમાન રાજ ઠાકરેને ભારે પડશે.









