ગુજરાતમાં શિયાળાના ઠંડી વચ્ચે ફરી વરસાદી માહોલ જામ્યો. રાજ્યમાં ગઈકાલ રાતથી અનેક સ્થાનો પર હળવાથી મધ્મયમ વરસાદ પડી રહ્યો છે. અમરેલી, બનાસકાંઠા, અરવલ્લી, ભાવનગર, દાંતા, બોટાદ, દાહોદહ અને વાવ સહિતના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. બોટાદ અને દાહોદમાં ફરી ચોમાસા જેવી વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદ થતા આ વિસ્તારના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા

બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં મોડી રાત્રિથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે શિયાળાની ઠંડીની શરૂઆત છે. ત્યારે વરસાદની સાથે ઠંડી એમ બેવડી ઋતુની અસર થતા રોગચાળો ફેલાવવાની ભીતિ છે. જિલ્લાના બરવાળા, રાણપુર, બોટાદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જયારે ગઢડા, અડતાળા, લાખણકા, ગઢાળી, ચિરોડા, સાજણાવદર, વનાળી, બોડકી, રણીયાળા, ગુંદાળા, પડવદર, ગોરડકા, ટાટમ સહિતનાં ગામોમાં ધીમીધારે વરસાદથી ગામલોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગઢડાથી નિંગાળા રોડ પર કોઝવે પર પાણી ભરાતા કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ. કમોસમી વરસાદના કારણે ખેતીમાં કપાસ, મગફળી, જુવાર, બાજરી જેવા પાકોમાં નુકસાનની ભીતી છે. 

દાહોદમાં કમોસમી વરસાદ

દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદે લોકોની ચિંતા વધારી. સંજેલી તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો. ગરબાડા, લીમખેડા, ફતેપુરા, લીમડી, દેવગઢ બારીયા, ઝાલોદ, મીરાખેડી, વરોડ, નાનસલાઇ ગામમાં વરસાદનું જોર જોવા મળ્યું. કમોસમી વરસાદથી  ડાંગર,મગફળી, સોયાબીનના તૈયાર પાકને નુકસાન થયું. ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી અનેક સ્થાનો પર કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. અણધાર્યા વરસાદથી કૃષિપાકોને અસર પહોંચાડી છે. બે દિવસ પહેલા જ સંજેલીના ચમારીયા ખાતે વીજળી પડતાં એક બળદનું મોત નિપજયું હતું. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જયારે અરબી સમુદ્ર સિસ્ટમ સક્રિય થતા ચક્રાવાતની સ્થિતિને લઈને દરિયાકાંઠાના વિસ્તારો પર કોસ્ટગાર્ડ દ્વારા રેડ એલર્ડ જાહેર કરાયું છે. 

  • Follow us on: